બ્રેકિંગ@તાપી: આખરે વહીવટીદારે કરોડોના ખર્ચની શરૂ કરી તપાસ, વિદ્યાર્થીઓના નામે કોણે કર્યો વેપાર?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
તાપી જિલ્લામાં રાજ્ય સરકારના આદિજાતી વિકાસ વિભાગ દ્વારા ખૂબ વિકાસના કામો થાય અને ખાસ કરીને આદિજાતીના વિદ્યાર્થીઓને કોઈ કચાશ ના રહે તેની કાળજી લેવાય છે. જોકે સરકારની આ કાળજી અને ચિંતાનો ક્યાંકને ક્યાંક દૂરૂપયોગ થતો હોવાની બૂમરાણ વારંવાર ઉઠે છે. જેના ભાગરૂપે સોનગઢ સ્થિત વહીવટદારે નિષ્પક્ષ તપાસ હાથ ધરી કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચારને ડામવા કવાયત શરૂ કરી છે. તાજેતરમાં કરોડો રૂપિયા ભૌતિક સુવિધાના નામે ખર્ચી દીધા છે ત્યારે જાંબાઝ પ્રાયોજના વહીવટદાર રાઠૌરની તપાસથી કારકૂનથી માંડી અધિકારીઓ અને તેમના મળતિયા ભ્રષ્ટાચારીઓને રેલો પહોંચે તેવી વકી છે. જાણીએ કેવી છે તપાસ અને ભ્રષ્ટાચારીઓના તપેલા કેટલા ચડ્યા તેના વિશે.
તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે મદદનીશ કમિશ્નર, આદિજાતી વિકાસ વિભાગની કચેરી સોનગઢ સ્થિત પ્રાયોજના વહીવટદારની કચેરી હેઠળ આવે છે. છેલ્લા ઘણા સમયથી વ્યારા સ્થિત મદદનીશ કમિશ્નરની કચેરી દ્વારા ભૌતિક સુવિધાના નામે મસમોટા ખર્ચાઓ થતાં આવ્યા છે ત્યારે અવારનવાર ભ્રષ્ટાચારની બૂમ ઉઠતી હોય છે. ત્યારે વ્યારા સ્થિત મદદનીશ કમિશ્નરની કચેરી દ્વારા આદીજાતીના વિદ્યાર્થીઓની ભૌતિક સુવિધાઓના નામે થયેલા સરેરાશ 4 કરોડના ખર્ચાઓ તપાસની એરણે ચડ્યા છે. જાંબાઝ અને પ્રામાણિક પ્રાયોજના વહીવટદાર રાઠૌરને શંકા જતાં, ધ્યાને આવતાં તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી ભૌતિક સુવિધા કરાઇ કે કોઈના ગજવા ભરાયા તેની શોધખોળ આદરી છે. આ તરફ પ્રામાણિક પ્રાયોજનાએ તપાસ શરૂ કરી હોવાની જાણ થતાં જ વેપારી જોડે મિલીભગતથી ભૌતિક સુવિધાઓ કરનારા કર્મચારી, અધિકારી શું થશે શું નહિ તેના વિચારમાં પડી ગયા છે. સરેરાશ 4 કરોડના ખર્ચાઓ કેવા સંજોગોમાં, કેમ કર્યા, શું નિયમો હેઠળ ખર્ચા કર્યા, સરકારનું હિત રહ્યું હતું કે નહિ તે તમામ બાબતો તપાસના મુદ્દામાં જોડાઇ શકે છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનગઢ સ્થિત વહીવટદારે કેટલાક સમયથી હોસ્ટેલ/છાત્રાલયનો વહીવટ પણ આચાર્યને બદલે કચેરીના સ્ટાફને આપી સીધી નજર રાખવા પ્રયત્ન કર્યો છે. આટલું જ નહિ, અગાઉ કેવા કેવા વહીવટો થતાં તેની બૂમરાણો પણ સોનગઢ પહોંચતાં વ્યારા કચેરીનો વહીવટ દુરસ્ત કરવા એક પછી એક પગલાં ભરાઇ રહ્યા છે ત્યારે હાલના અને જૂના મદદનીશ કમિશ્નરની પ્રમાણિકતાનો રિપોર્ટ તો ચારેક કરોડના ભૌતિક સુવિધાના ખર્ચાઓની સચોટ તપાસ બાદ જ જાહેર થશે.

