બ્રેકિંગ@વડોદરા: માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપના સતીષ પટેલની ભવ્ય જીત, કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતિષ પટેલ પ્રચંડ બહુમતી સાથે વિજયી બન્યા છે. ચૂંટણી પંચ દ્વારા ભવન્સ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક વ્યવસ્થાઓ વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 260 મતદાન મથકોના મતોની ગણતરી 15 ટેબલો પર 19 રાઉન્ડમાં પૂર્ણ કરવા માટે 42કાઉન્ટિંગ સ્ટાફ અને 42 માઇક્રો ઓબ્ઝર્વર્સ ફરજ પર રહ્યા હતા.
મતગણતરીની શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર સતિષ પટેલે મજબૂત પકડ જમાવી હતી. પ્રારંભિક પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ EVM મશીનોના મતોની ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ ભાજપની લીડમાં સતત વધારો થતો ગયો હતો. ખાસ કરીને 7 રાઉન્ડની મતગણતરી પૂરી થતાં જ ભાજપના ઉમેદવાર સતિષ પટેલ 12,401 જેટલા મતોની મજબૂત સરસાઈ પર પહોંચી ગયા હતા, જેનાથી વિજય લગભગ નિશ્ચિત બન્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ રબારી સામે ભાજપે આરંભથી જ સ્પષ્ટ અગ્રતા મેળવી લીધી હતી.આ ચૂંટણીમાં કુલ 37.5 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. પરિણામોના સત્તાવાર વલણો અને જીતની જાહેરાત થતાં જ મતગણતરી કેન્દ્ર બહાર અને વડોદરા શહેરભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને અને વિજય સરઘસ કાઢીને ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી હતી.

