બ્રેકિંગ@વડોદરા: જરોદમાંથી AK-47 અને 23 કારતૂસ સાથે જૈશ-એ-મોહમ્મદનો શંકાસ્પદ આતંકી ઝડપાયો

 
કાર્યવાહી
તપાસમાં વધું વિગતો સામે આવવાની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા ધરાવતો એક શખ્સ ઝડપાયો છે. વડોદરાના જરોદ વિસ્તારમાંથી શંકાસ્પદ શખ્સની AK-47 રાઇફલ અને 23 જીવતા કારતુસ સાથે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઝડપાયેલા શખ્સને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ હોવાની આશંકા છે.જોકે, આ અંગે તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત ATSની ટીમે વડોદરાના જરોદ બસ સ્ટેન્ડ નજીક કાર્યવાહી કરીને યુવકને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતુસ મળી આવ્યાં હતાં. આટલા ઘાતક હથિયાર સાથે યુવકની ધરપકડ થતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.યુવક આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો, તેની પાસે AK-47 કોણે પહોંચાડી હતી અને તે કોને આપવાનો હતો તે અંગે ATS તપાસ કરી રહી છે. આ ઉપરાંત, યુવક વડોદરા શા માટે આવ્યો હતો અને હથિયારનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો તે પણ તપાસનો મહત્ત્વનો વિષય છે.ધરપકડ બાદ યુવકને અમદાવાદ ATS ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હથિયાર વેચવા માટે લાવવામાં આવ્યું હતું કે અન્ય કોઈ હેતુ હતો, તે સહિતના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. હાલમાં ATS યુવકના સંપર્કો, હથિયારના સ્ત્રોત અને તેની પાછળના સંભવિત હેતુ અંગે માહિતી એકત્રિત કરી રહી છે. તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.