બ્રેકિંગ@વલસાડ: ખેરના લાકડા ભરેલ વાહનને પાસ કરવા 60ને બદલે 2500 માંગ્યા, બીટગાર્ડ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, વલસાડ
વલસાડ જિલ્લા વનવિભાગ હેઠળ આજે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ચોંકાવનારી સફળ ટ્રેપ કરી છે. મહારાષ્ટ્રથી આવતા વાહનને ગુજરાતમાં પ્રવેશ દરમ્યાન જરૂરી પ્રક્રિયામાં ગેરકાયદેસર રકમની માંગણી થઈ હતી. આ બાબતે જાગૃત નાગરિક કમ સહકાર આપનારે એસીબી ટીમનું ધ્યાન દોરતાં આખરે બીટગાર્ડ ઝડપાઇ ગયા છે. વનપેદાશ ચેક પોસ્ટના વન વા અનેકગણી ગેરકાયદેસર રકમની માંગણી કરી ત્યારે એસીબીએ કુલ 6300ની લાંચ લેતાં સંજાણ રેન્જના બીટ ગાર્ડ નરેશ ભોયાને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
વેપારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિએ પોતાના કબ્જાની ટ્રકમાં મહારાષ્ટ્રથી ખેરના લાકડા ભરી નવસારી જિલ્લામાં આવેલ લાકડાના ડેપોમાં ખાલી કરવા જતાં હતા. આ દરમ્યાન ગુજરાત રાજ્યની હદ્દમાં પ્રવેશ કરતાં વલસાડ જિલ્લાના ભિલાડ વનપેદાશ ચેક પોસ્ટથી મહારાષ્ટ્રના પાસ ઉપરથી ગુજરાતના પાસ લેવા પડતાં હોય છે. આ બાબતે આજે સદર વેપારી વાહનને એક પાસની કાયદેસરની ફી રૂા.૨૦/- લેખે 3 પાસના કુલ રૂા.૬૦/- ભરવાના થતા હતા. જોકે ચેકપોસ્ટના બીટ ગાર્ડ નરેશ દાદુભાઇ ભોયાએ એક પાસના રૂા.૨૫૦૦/- લેખે ત્રણ પાસના રૂા.૭,૫૦૦/- ની માંગણી કરી હતી. આ તરફ જાગૃત નાગરિક લાંચ મુજબની રકમ આપવા ઈચ્છતા નહિ હોવાથી વલસાડ એસીબી પોલીસને ફરિયાદ આપી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વલસાડ એસીબીએ ફરિયાદ આધારે સંજાણ રેન્જની ભિલાડ વનપેદાશ ચેક પોસ્ટ ખાતે છટકું ગોઠવ્યું હતુ. આ દરમ્યાન સ્થળ ઉપરના બીટ ગાર્ડ નરેશ ભોયાએ કુલ રકમ 7500 સ્વીકારી અને તેમાંથી રૂા.1200/- સહકાર આપનારને પરત આપી રૂા.6300 ની લાંચ સ્વિકારતાં પકડાઇ ગયા હતા. એસીબી પીઆઇ એસ.એન ગોહીલ સહિતની ટીમે આરોપીને પકડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.