બ્રેકિંગ@વર્લ્ડ: ઓઈલ-ગેસમાં મળશે રાહત, હોર્મુઝ સ્ટ્રેટ 49 દિવસ બાદ ખુલ્યું, ઈરાનનો મોટો નિર્ણય
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ કોર્મશિયલ જહાજો માટે ફરી ખોલવામાં આવ્યું છે. કોઈપણ દેશના જહાજોને હોર્મુઝમાં રોકવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી લેબનાનમાં યુદ્ધવિરામ અમલમાં રહેશે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ કોર્મશિયલ જહાજો માટે ખુલ્લું રહેશે, જે પેટ્રોલિયમ અને અન્ય ઉત્પાદનો લઈ ખાડીથી વિશ્વના બાકીના ભાગોમાં જાય છે.
ઈરાનના વિદેશ મંત્રી દ્વારા તેની શરતો પણ જણાવવામાં આવી હતી. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ઇન્સ્ટાગ્રામ પર એક મહત્વપૂર્ણ અપડેટ શેર કરીને પોસ્ટ કરી હતી કે, "લેબનાનમાં થયેલા યુદ્ધવિરામ અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ કોર્મશિયલ જહાજો માટે યુદ્ધવિરામ સમયગાળા સુધી દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યો છે.
સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોએ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના બંદરો અને દરિયાઈ સંગઠન દ્વારા અગાઉ જાહેર કરાયેલ સંકલિત માર્ગનું પાલન કરવું પડશે."હોર્મુઝ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશ્વના ક્રૂડ ઓઇલ અને ગેસ પુરવઠાનો લગભગ 20% હિસ્સો તેમાંથી પસાર થાય છે. તેથી, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ પર સકારાત્મક અસર પડશે.
હોર્મુઝને સંપૂર્ણપણે ખોલવાની સાથે ઈરાને એક મહત્વપૂર્ણ શરત પણ લાદી છે. ઈરાની વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી કે વાણિજ્યિક જહાજોએ ઈરાનના બંદરો અને દરિયાઈ સંગઠન દ્વારા સ્થાપિત સંકલિત માર્ગનું પાલન કરવું પડશે. આનો અર્થ એ છે કે ઈરાનનો દરિયાઈ ટ્રાફિક પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે અને તે તેને સુરક્ષિત રીતે ચલાવશે.

