બ્રેકીંગ@દેશ: ચૂંટણી પંચે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કર્યા, ક્યાં સૌથી ઓછું, ક્યાં સૌથી વધું?

 
ચૂંટણી
ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને છઠ્ઠા  તબક્કાનું મતદાન ચાલુ છે. જેમાં હરિયાણાની બધી જ 10 અને દિલ્હીની બધી જ 7 બેઠકોનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કામાં 11 કરોડથી વધુ મતદારો કુલ 889 ઉમેદવારોનું ભાવી નિશ્ચિત કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રનૌત સહિતના ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે. લોકસભાની સાથે ઓડિશાની 42 વિધાનસભા બેઠકો પર પણ મતદાન ચાલુ છે.

સાત તબક્કાની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાની બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળમાં જંગલ મહલ પ્રદેશ અને બિહારની 8-8, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં 5.84 કરોડ પુરુષો અને 5.29  કરોડ મહિલાઓ સહિત કુલ 11.13 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતા છે.

ચૂંટણી પંચે કુલ1.14 લાખ મતદાન મથકો પર 11.4 લાખ પોલિંગ અધિકારીઓ નિયુક્ત કર્યા છે. ચૂંટણી પંચે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન પ.બંગાળમાં 70.19% નોંધાયું છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 43.95% નોંધાયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો 1 વાગ્યા સુધીમાં 49.20% મતદાન નોંધાઈ ચૂક્યું છે.