બ્રેકિંગ@દેશ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, જાણો વધુ

 
મોદી
કેબિનેટની બેઠકમાં વડાપ્રધાને વિપક્ષ પર સાધ્યું નિશાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. તેઓ મહિલા અનામત મુદ્દે સંબોધન કરે તેવી શક્યતા છે. આજે સવારે મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DA માં 2% નો વધારો અને PM ગ્રામ સડક યોજના ને 2028 સુધી લંબાવવા જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.ગઈકાલે લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પસાર ન થતા આજે રાજકીય માહોલ ગરમાયેલો છે.

વડાપ્રધાને કેબિનેટ બેઠકમાં આ બાબતે વિપક્ષ પર નિશાન સાધ્યું હોવાના અહેવાલો પણ છે. મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું કે, વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે તેના પરિણામો ભોગવવા પડશે.બંધારણ બિલ, જેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાનો હતો, તે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું.

ગુરુવારથી શુક્રવાર મધ્યરાત્રિ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ થયેલા મતદાનમાં બિલની તરફેણમાં 298 મત પડ્યા હતા, જ્યારે 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો.વિપક્ષી પાર્ટીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, સીમાંકન પછી દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. પીએમ મોદીએ સંસદમાં ખાતરી આપી હતી કે લોકસભાની બેઠકો 543 થી વધીને 816 થશે ત્યારે કોઈ પણ રાજ્ય સાથે અન્યાય નહીં થાય. તેમણે આ બિલને રાજકીય ચશ્માથી ન જોવા અને રાષ્ટ્રહિતમાં જોવા અપીલ કરી હતી.