બ્રેકીંગ@ગુજરાત: વડાપ્રધાન મોદી રાણીપ જવા રવાના, રેકોર્ડ બ્રેક મતદાન કરવા કરી અપીલ

 
મતદાન
મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સવારે 7 વાગ્યાથી ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રેકોર્ડ બ્રેક મતદાન માટે અપીલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકી હતી અને હવે તેઓ રાણીપ મતદાન કરવા જવા માટે રવાના થયા છે. મતદાન મહા રાજકોટના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ મતદાન મથક બાદ લોકો પોતાનું મત અધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી લાંબી લાઈનો લગાવી ઉભી ગયા હતા. ત્યારે લોકોએ મતદાન કરતા જણાવ્યું હતું કે મતદાન અવશ્ય કરવું જોઈએ.

આજે વહેલી સવારથી સિનિયર સિટીઝનો અને યુવાનો મતદાન આપવા માટે મતદાન મથક પર રાજકોટમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. અમિત શાહ સવારે 9.15 વાગ્યે, સીઆર પાટીલ સવારે 8.30 વાગ્યે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 8.30 વાગ્યે, પરષોત્તમ રુપાલા 7 વાગ્યે, મનસુખ માંડવિયા 8 વાગ્યે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી 8 વાગ્યે મતદાન કરશે.કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સવારે 11 વાગ્યે, ભરતસિંહ સોલંકી 8 વાગ્યે, સિદ્ધાર્થ પટેલ 11 વાગ્યે, અમિત ચાવડા 7.30 વાગ્યે, વિક્રમ માડમ 9 વાગ્યે, ગેનીબેન ઠાકોર 7.30 વાગ્યે, લલિત વસોયા 7 વાગ્યે મતદાન કરશે.

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાયો છે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થઇ રહ્યું છે. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ 25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ મોનિટરિંગ રૂમમાં આશરે 90 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ તા. 7 મે ના રોજ સવારે 5.30 વાગ્યાથી શરૂ કરી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાત જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે.