બ્રેકીંગ@ગુજરાત: અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ, પવનના કારણે વૃક્ષો અને વીજપોલ ધરાશયી

 
વરસાદ
જોરદાર પવન ફુકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરઉનાળાના વાતાવરણમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. બોટાદ અને સાબરકાંઠાના ઈડરમાં કરા પડ્યાં છે તો વલસાડમાં વંટોળ સાથે કમોસમી વરસાદ પડ્યો છે.બોટાદના પાળીયાદમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન તેમજ કરા સાથે વરસાદ પડ્યો હતો. પાળીયાદ તેમજ કાનીયાવડ ગામ પાસે વરસાદી ઝાપટું પડ્યું હતું. સાથે કરા પડતા જમીન પર બરફની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યાં હતા. બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને ખેડબ્રહ્મામાં પણ કરા સાથે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ ખેડબ્રહ્મા, ઇડર, વિજયનગરમાં વરસાદ પડ્યો, તો ખેડભ્રહ્મામાં વરસાદ સાથે કરા પડતા ગરમીમાં રાહત થઈ.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો અને ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યું હતું. શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પાતરાને નુકસાન થયું હતું.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પંથકોમાં વાતાવરણ બદલાયું હતું અને કરા સાથે વરસાદ પડ્યો હતો. સિહોરના સણોસરા, ઈશ્વરીયા, આંબલા ગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરા પડ્યાં હતા. ભાવનગર જિલ્લામાં આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે.બનાસકાંઠા જિલ્લાના અંબાજી પંથકના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને હળવા વરસાદની શરૂઆત થઈ હતી.

વલસાડના કપરાડામા કરા સાથે વરસાદ પડ્યો હતો. તો ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા.  ઝડપી પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા. તંત્ર દ્વારા વીજ પુરવઠો યથાવત કરવાના કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં છે. હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં જોરદાર પવન, ધૂળની ડમરી, કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ચોટીલામાં બપોર બાદ 3.50 કલાકે વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો હતો. જોરદાર પવન ફુકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.