બ્રેકીંગ@ગુજરાત: શું અમિત શાહ ભાજપના ક્ષત્રિય આગેવાનોને મળશે? ક્ષત્રિય આંદોલનને રોકવા વધું એક પ્રયાસ

 
આંદોલન

ભાજપ કોઈપણ રીતે આ આંદોલન સમાપ્ત થાય તેવું ઈચ્છી રહ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના ક્ષત્રિય સમાજના મહાસંમેલન બાદ ક્ષત્રિયો હવે આરપારની લડાઇના મૂડમાં છે, ત્યારે બીજી તરફ ભાજપ માટે ક્ષત્રિયોની આ નારાજગી મુશ્કેલી સર્જી શકે છે. તેવામાં આગામી 19 તારીખે અમિત શાહ ગુજરાતમાં પોતાની લોકસભા બેઠક ગાંધીનગર માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. તે પહેલા તેઓ ભાજપના ક્ષત્રિય આગેવાનોને મળશે. તેમજ આ મુદ્દે ઉકેલ માટે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક પણ કરી શકે છે.

પરશોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને કોઇપણ ભોગે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ પર અડગ છે. એવો જ રણ ટંકાર ક્ષત્રિય સમાજ રાજકોટના મહાસંમેલનમાં કરી ચૂક્યો છે. એટલું જ નહીં, અમદાવાદના જીએમડીસીમાં પણ સંમેલન યોજવાનું આહવાન ક્ષત્રિય સમાજના આગેવાનો કરી ચૂક્યા છે. જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો આ આંદોલન આખા દેશમાં લઇ જવા અને તેની અસર અલગ અલગ રાજ્યમાં પાડવાની ચીમકી આપી છે.આગામી 19 તારીખે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલાં 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભામાં રોડ શો કરશે ત્યાર બાદ સભા પણ સંબોધવાના છે.

તે પહેલાં ગુજરાતમાં અમિત શાહની એન્ટ્રી સાથે જ તેઓ ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલન અંગે ચર્ચા કરશે. જે માટે તેઓ ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ મળશે. આ મામલે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક પણ થઈ શકે છે. લોકસભાની ચૂંટણીમાં એક તરફ રાજકોટ બેઠક પર વિવાદ વકર્યો છે અને દરેક લોકસભા બેઠક પર 5 લાખની લીડ સાથે જીતવાનું લક્ષ્‍યાંક ભાજપે મૂક્યું છે, પણ જો ઉમેદવારી રદ ન થાય તો અન્ય બેઠકો પર પણ નુકસાન થઈ શકે છે.