બ્રેકીંગ@પાટણ: અગ્નિવીર, ખેડૂતો, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

 
રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે સત્તામાં આવીશું તો ખાનગીકરણ અટકાવીશું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી ટાણે હવે ત્રીજા તબક્કાનું મતદાન નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ કમર કસી લીધી છે. ગુજરાતમાં આ વખતે મતદાન છે ત્યારે ભાજપ રૂપાલા વિવાદને કારણે પડકારો સહન કરી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાનમાં એક જનસભા સંબોધી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, 'આ બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. ભાજપના રાજમાં હિન્દુસ્તાનનું લોકતંત્ર અને બંધારણ બચશે કે નહીં એ મોટો સવાલ છે. ભાજપના લોકો ઇચ્છે છે કે બંધારણ ખતમ થઇ જાય. પણ કોંગ્રેસ પાર્ટી બંધારણની રક્ષા કરે છે. આઝાદી પછી ગરીબ પ્રજાને જે કંઈ મળ્યું છે, તે બંધારણના કારણે મળ્યું છે.’

આ પ્રસંગે રામ મંદિરનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું કે, ‘હાલ બે ભારત જોવા મળી રહ્યા છે. તમે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે. ખૂબ ધૂમધામથી ઉજવણી થઇ, પરંતુ ત્યાં તમને કોઈ ગરીબ જોવા નહીં મળ્યો હોય. રાષ્ટ્રપતિને પણ બોલાવાયા. પ્રોટોકોલમાં સૌથી ઉપર હોવા છતાં તેમને અંદર પણ ન જવા દીધા કારણ કે, તેઓ આદિવાસી છે. તેમણે કહ્યું કે ‘બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે અને મોદી સરકાર તેને જ ખતમ કરી દેવા માગે છે. અનામતને ખતમ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ન્યાય માટે જ અનામત વ્યવસ્થા છે અને ભાજપ એનો જ દુશ્મન બની ગયો છે. આવકની અસમાનતા મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે ‘મોદી સરકારે તેમના મિત્ર જેવા 22 ઉદ્યોગપતિનું 16 લાખ કરોડનું દેવું માફ કરી દીધું પણ ખેડૂતો વિશે તેમને વિચાર નથી આવતો. તેમનું દેવું માફ નથી કરતાં. યુપીએ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. હાલ દેશમાં 22 લોકોની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી થઇ ગઈ છે. શું તમે મને જણાવશો કે દેશની કોઈ એવી કંપની છે કે જેનો માલિક કોઈ આદિવાસી હોય. 90 આઈએએસ અધિકારી આખો દેશ ચલાવે છે. આ 90માંથી ત્રણ પછાત, ત્રણ દલિત અને એક માત્ર એક જ આદિવાસી છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં શું થયું એ બધાએ જોયું જ છે.’ 

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે સત્તામાં આવીશું તો ખાનગીકરણ અટકાવીશું. અગ્નિવીર યોજના રદ કરીશું કારણ કે, આવી યોજનાઓથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ યોજના મોદી સરકારના કાર્યાલય દ્વારા લાગુ કરવામાં આવી છે. તેનાથી નુકસાન થયું છે. I.N.D.I.A. ગઠબંધન સત્તામાં આવતા જ તેને રદ કરી દેવાશે. હાલની સરકારે પાંચ અલગ અલગ પ્રકારના જીએસટી લગાવી દીધા છે, જે અયોગ્ય છે. અમે તેમાં ફેરફાર કરીશું. અમે સીધોસાદો જીએસટી લાવીશું અને તેનાથી લોકોને મોટો ફાયદો થશે.’