બ્રેકિંગ@સાબરકાંઠા: રોપા કૌભાંડનો આ સૌથી મોટો પુરાવો હવે હાથવેંતમાં, જાણો બધું

 
Sabarkantha
મનરેગા હેઠળ 5 તાલુકામાં થયેલા રોપા વાવેતર કૌભાંડમાં હવે એક સૌથી મજબૂત પુરાવો હાથવેંતમાં છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મુખ્ય મનરેગા અને તાલુકાની મનરેગા સંબંધિત અમલીકરણવાળા બાબતનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થઇ શકે છે. મનરેગાવાળા અને એજન્સીના મળતિયા સહિતનાએ ભેગાં મળીને ઘરની પેઢીની જેમ કરોડોનો વહીવટ કર્યો છે. તમામ નિયમો તો નેવે મૂક્યા પરંતુ બાપદાદાની દુકાન હોય તેમ કરોડોનો કોન્ટ્રાક્ટ મેળવી/આપી/અપાવી કલ્પના ના કરી શકો તેવો ભ્રષ્ટાચાર આચર્યો છે. રોપા કૌભાંડના તમામ અહેવાલ બાદ હવે પછીનો મજબૂત પુરાવા સાથેનો રીપોર્ટ જાણશો તો ખબર પડશે કે, સીધી પોલીસ ફરિયાદ થાય તેવું ષડયંત્ર છે.

સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા હેઠળ 5 તાલુકામાં થયેલા રોપા વાવેતર કૌભાંડમાં હવે એક સૌથી મજબૂત પુરાવો હાથવેંતમાં છે. આ પુરાવો એવો છે કે, જો વિજીલન્સ, એસીબી અથવા ગ્રામ વિકાસ કમિશ્નર કચેરી ધારે તો ગણતરીના દિવસોમાં સીધી પોલીસ ફરિયાદ દાખલ કરી શકે છે. આરટીઆઇથી કોઈ કાગળો પણ મેળવ્યા વિના આ રેકર્ડ આધારિત પુરાવો રોપા ખરીદીના શ્વેતપત્ર સમાન છે. મનરેગાની સ્પષ્ટ સુચના અને ગાઇડલાઇન છે કે, જો ખાનગી નર્સરીમાંથી ખરીદી કરો તો ડીપીસી મારફતે અને તેમાં પણ નર્સરી ફરજીયાત ધોરણે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનું એક્રેડિએશન ધરાવતી હોવી જોઈએ. હવે પછીના રીપોર્ટમાં રેકર્ડ આધારિત પુરાવો જોતાં આંખો પહોળી થઇ જશે કે, કૌભાંડી ટોળકીએ મનમાની રીતે કેન્દ્ર સરકારના નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના એક્રેડિએશન વગરની નર્સરીમાંથી 5 કરોડના રોપા ખરીદી લીધા હતા.

સૌથી મોટો ખુલાસો અત્યારથી જ કરી દઈએ કે, જ્યારે કરોડોના રોપા ખરીદવામાં આવ્યા ત્યારે આ નર્સરી કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાગાયત બોર્ડનું પ્રમાણપત્ર ધરાવતી નહોતી. ભવિષ્યમાં કોઇ પ્રશ્ન આવે તો લૂલો બચાવ કરવા અને તપાસ થાય તો અધિકારીને ગેરમાર્ગે દોરવા થાય તેવી માનસિકતાથી ખરીદી પછી તાત્કાલિક રાષ્ટ્રીય બાગાયત બોર્ડનું એક્રેડિએશન લેવામાં આવ્યું હતુ. કૌભાંડી ટોળકીનું આ એવું કૌભાંડ છે કે, સરકારના કરોડો રૂપિયા ઘરભેગા કરવા બાપદાદાની દુકાનની જેમ વહીવટ કરી લીધો અને સરકાર સાથે વિશ્વાસઘાત કરી લીધો છે. આગામી ન્યૂઝ રિપોર્ટમાં મનરેગા શાખાએ સરકારમાં રજૂ કરેલ નર્સરીમાંથી ખરીદેલ રોપાનું તારીખ સાથેનુ બીલ અને સામે આ નર્સરીને ક્યારે રાષ્ટ્રીય બાગાયત બોર્ડનું એક્રેડિએશન મળ્યું તેનો તારીખ સાથેનો પુરાવો મુકીશું એટલે વાચકો જાણશે સાબરકાંઠા જિલ્લામાં મનરેગાનો વહીવટ.