બજેટ@દેશ: શિક્ષણ ક્ષેત્રે 4 મહત્ત્વની જાહેરાત, તમામ જિલ્લામાં બનશે સરકારી 'ગર્લ્સ હોસ્ટેલ'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વર્ષ 2026ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, ખાસ કરીને મહિલા સશક્તિકરણને લઈ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. સરકારે નિર્ણય લીધો છે કે દેશના તમામ જિલ્લાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થિનીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી 'ગર્લ્સ હોસ્ટેલ' બનાવવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની દીકરીઓને શહેરોમાં શિક્ષણ મેળવતી વખતે પડતી રહેવાની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાનો છે.
નાણામંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, હું ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે રોકાણ દ્વારા નવી સંસ્થાઓ, યુનિવર્સિટી ટાઉનશિપ, ગર્લ્સ હોસ્ટેલ અને ટેલિસ્કોપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સ્થાપિત કરવા માટે બહુવિધ પગલાંઓનો પ્રસ્તાવ મૂકું છું. દેશના દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.ભારતના પૂર્વીય વિસ્તારમાં ડિઝાઈન શિક્ષણ અને તેના વિકાસને વેગ આપવા માટે એક નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનની સ્થાપના કરવામાં આવશે.મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની આસપાસ 5 નવી 'યુનિવર્સિટી ટાઉનશિપ' બનાવવામાં આવશે, જેથી શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચે સીધો સમન્વય સાધી શકાય.
દેશના દરેક જિલ્લામાં આવેલી ઉચ્ચ શિક્ષણની STEM સંસ્થાઓમાં 1 ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. ખગોળશાસ્ત્ર અને એસ્ટ્રોફિઝિક્સને પ્રોત્સાહન આપવા માટે દેશમાં 4 ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ નવી સ્થાપવામાં આવશે અથવા હાલની સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવશે. આ હોસ્ટેલ્સ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની નજીક અથવા જિલ્લા મથકો પર બનાવવામાં આવશે, જ્યાં દીકરીઓને રહેવા-જમવા ઉપરાંત સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. આ જાહેરાતથી એજ્યુકેશન સેક્ટરને મોટો બૂસ્ટ મળશે અને ખાસ કરીને સ્ટેમ ફિલ્ડમાં મહિલાઓની ભાગીદારી વધવાની પૂરેપૂરી શક્યતા છે.

