બજેટ@દેશ: શિક્ષણ લોન પર વ્યાજમાં છૂટ, 4 કરોડ લોકોને નોકરી, 1.48 લાખ કરોડ ખર્ચશે સરકાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બજેટ 2024-25માં 1.48 લાખ કરોડ શિક્ષણ, રોજગાર અને કૌશલ્યવર્ધન પાછળ ખર્ચવામાં આવશે. સરકારે ઇન્ટર્નશિપ, શિક્ષણ લોન અને પ્રથમ વખત નોકરી કરવા જતાં યુવાનો માટે જાહેરાતો કરી છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં કરેલી મોટી જાહેરાત પ્રમાણે, 'સરકાર 1 કરોડ યુવાનોને હવે પછીના 5 વર્ષમાં ટોપ 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિનામાં કરવાની રહેશે. જેમાં યુવાનોને બિઝનેસ અને નોકરી ક્ષેત્રની સાચો વાસ્તવિક અનુભવ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.
સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરાશે. પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.
કેન્દ્રીય બજેટ 2024-25 માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કીલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના 3%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે. નાણામંત્રીની જાહેરાત પ્રમાણે 5 વર્ષમાં 4 કરોડ નવી નોકરીઓનું નિર્માણ કરવામાં આવશે.