વેપાર@દેશ: 2 લાખને પાર કર્યા બાદ એક જ ઝટકામાં ચાંદીના ભાવમાં 9,000નો ઘટાડો, સોનાના ભાવ વધ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અઠવાડિયાના છેલ્લા દિવસે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ નવી ઊંચાઈએ પહોંચતાં જ તેમાં તીવ્ર ઘટાડો પણ નોંધાયો. ચાંદીનો ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર કરી ગયો. ટ્રેડિંગ દરમિયાન ચાંદી 2,01,615 રૂપિયા પ્રતિ કિલોના નવા સર્વોચ્ચ સ્તરને સ્પર્શી ગઈ. પરંતુ આ ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં અચાનક ભારે વેચવાલી જોવા મળી અને ભાવ તૂટીને સીધા 11,538 રૂપિયા ઘટીને 1,90,077 રૂપિયા પ્રતિ કિલો સુધી આવી ગયા. બજાર બંધ થતી વેળાએ થોડું સુધારું આવ્યું અને ચાંદી 1,92,615 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ, પરંતુ તેમ છતાં તે તેની ટોચથી આશરે 9,000 રૂપિયા સસ્તી રહી.
અત્યાર સુધી ચાંદીના ભાવમાં કુલ મળીને મજબૂત વધારો જોવા મળ્યો છે. 1 ડિસેમ્બરે MCX પર ચાંદીનો ભાવ 1,82,030 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. ગયા શુક્રવારના બંધ ભાવની તુલનામાં જોવામાં આવે તો ચાંદી લગભગ 10,585 રૂપિયા મોંઘી થઈ છે. એટલે કે,ભલે દિવસ દરમિયાન ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હોય, પરંતુ સમગ્ર મહિને ચાંદીનો ટ્રેન્ડ તેજીનો રહ્યો છે. ચાંદી સાથે સાથે સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
5 ડિસેમ્બરે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,28,592 રૂપિયા હતો, જે ગયા અઠવાડિયાના અંતે વધીને 1,32,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. એટલે કે એક અઠવાડિયામાં સોનાનો ભાવ 4,118 રૂપિયા વધ્યો છે. MCX પર સોનાના ભાવની વાત કરીએ તો, પાંચ દિવસમાં સોનાનો ભાવ આશરે 3,160 રૂપિયા મોંઘો થયો છે, જે રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ બતાવે છે.

