વેપાર@દેશ: આજે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો! જાણો લેટેસ્ટ રેટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહેલા ભાવ પર હવે બ્રેક લાગી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે નરમ વલણ અપનાવતા અને યુરોપિયન દેશો પર ટેરિફની ધમકી પાછી ખેંચતા રોકાણકારોમાં સુરક્ષિત રોકાણની માગ ઘટી છે, જેના કારણે સોના-ચાંદીના ભાવ નીચે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 0.8% ઘટીને 4,799.79 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે, જે અગાઉ 4,887.82 ડોલરની ઐતિહાસિક સપાટીએ હતું.સોનાના ભાવ ઘટવાનું મુખ્ય કારણ ડોલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતી છે.
ટ્રમ્પે દાવોસમાં જણાવ્યું કે ગ્રીનલેન્ડ મુદ્દે સમજૂતીનું માળખું તૈયાર થઈ ગયું છે અને હવે તેઓ યુરોપ પર નવા ટેરિફ નહીં લાદે. આ નિવેદનને કારણે બજારમાં રહેલો ડર ઓછો થયો છે અને લોકો જોખમી સંપત્તિઓ એટલે કે શેરબજાર તરફ પાછા વળી રહ્યા છે.ભારતીય બજારમાં પણ MCX પર ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. MCX પર સોનું 1.69% વધીને ₹1,53,116 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, પરંતુ કારોબાર દરમિયાન તેણે ₹1,58,475 નો નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. MCX સિલ્વર 2.22% એટલે કે ₹7,171 ઘટીને ₹3,16,501 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે. ભાવમાં આવેલો આ ઘટાડો માર્કેટમાં પ્રોફિટ બુકિંગને કારણે હોઈ શકે છે. જો વૈશ્વિક તણાવ વધુ ઓછો થશે તો સોનાના ભાવ હજુ પણ નીચે જઈ શકે છે.

