વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં કડાકા બાદ ફરી તેજી, ચાંદીમાં પ્રતિ કિલો ₹4,000 થી વધુનો ઉછાળો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના-ચાંદીના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે મોડી રાતે જંગી કડાકા બાદ આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓમાં શાનદાર રિકવરી જોવા મળી છે. સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,400 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹4,000 થી વધુનો ઉછાળો નોંધાયો છે.
ગઈકાલે ચાંદીના ભાવમાં જે મોટું ગાબડું પડ્યું હતું, તેમાં આજે વ્યાપક સુધારો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ.2,28,783.00 હતો. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી રૂ.2,32,929.00 ના સ્તર પર ઓપન થઈ હતી. આમ, માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીમાં રૂ.4,146.00 નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં ચાંદી તેના પાછલા બંધ ભાવથી આશરે 1.79% ના વધારા સાથે રૂ.2,32,875.00 પર ટ્રેડ કરી રહી છે. ચાંદીની જેમ સોનામાં પણ આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોનાનો અગાઉનો બંધ ભાવ રૂ.1,51,418.00 હતો. તેની સામે આજે સોનું રૂ.1,53,303.00 ના ભાવે ખુલ્યું હતું. સોનામાં ઓપનિંગમાં જ રૂ.1,885.00 નો વધારો નોંધાયો હતો. હાલમાં સોનું 0.93% ના ઉછાળા સાથે રૂ.1,52,823.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે, જે ગઈકાલના બંધ ભાવ કરતા આશરે રૂ1,405.00 વધારે છે. સોના-ચાંદીમાં મધરાતે ભારે વેચવાલી જોવા મળી હતી. એક સમયે સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,50,964 ના નીચલા સ્તર સુધી ગગડ્યું હતું. જ્યારે ચાંદીમાં પણ 3.04% જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

