વેપાર@દેશ: આજે પુષ્ય નક્ષત્રના દિવસે સોના-ચાંદીના ભાવ આસમાને, જાણો આજના રેટ

 
ગોલ્ડ
વેપારીઓ 100 ટકા એડવાન્સ રકમ લઈને બુકિંગ કરી રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પુષ્ય નક્ષત્રમાં સોનું કે ચાંદી ખરીદવામાં આવે તો આખું વર્ષ ઘર સમૃદ્ધિથી ભરેલું રહે એવી માન્યતા છે. આ શ્રદ્ધાને કારણે લોકો પુષ્ય નક્ષત્રના દિવસે પોતાની શક્તિ મુજબ ચાંદી કે સોનું ખરીદવાનો આગ્રહ રાખે છે. એક ગ્રામ સોનું કે ચાંદી ખરીદવાનો પણ આગ્રહ અનેક લોકો રાખે છે. હાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનું 10 ગ્રામના રૂ1.28 લાખ અને ચાંદી કિલોના રૂ 1.75 લાખ સુધી પહોંચી ગઈ છે તેમ છતાં લોકો સોનું-ચાંદી ખરીદવા ઉત્સાહિત છે.

બજારમાં મોટા ભાગના ગ્રાહકોએ એડવાન્સ રૂપિયામાં બુકિંગ કરાવી દીધી છે. સોની બજારના વેપારીઓ જણાવે છે કે આ વર્ષે અંદાજે 80 ટકા ગ્રાહકો સોનાની લગડી કે સિક્કાનું બુકિંગ કરી રહ્યા છે, જ્યારે 20 ટકા લોકો જ દાગીનાનો આગ્રહ રાખે છે. સોના કરતાં ચાંદીની ખરીદીમાં આ વખતે લોકો વધુ રસ બતાવી રહ્યા છે. તેથી વેપારીઓ 100 ટકા એડવાન્સ રકમ લઈને જ બુકિંગ કરી રહ્યા છે. બુલિયન વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા એક જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, છતાં ખરીદીમાં કોઈ ઘટાડો નથી. વૈશ્વિક સ્તરે વધતી માંગને કારણે કિંમતો ઊંચી છે. પુષ્ય નક્ષત્રને ધ્યાનમાં રાખીને વેપારીઓએ અગાઉથી સ્ટોક રાખ્યો હતો, જેના કારણે ચાંદી પ્રીમિયમ ભાવે વેચાવા લાગી છે.