વેપાર@દેશ: યુદ્ધને કારણે સોના ચાંદીના ભાવમાં આજે એકાએક મોટો ઉછાળો, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે, જેના પરિણામે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના ભાવમાં આજે એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજારમાં MCX પર ચાંદીના ભાવમાં આજે એકઝાટકે રૂ.10,056નો તોતિંગ વધારો થયો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ.2,82,644 હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ ભાવ ઉછળીને ₹2,92,700ની સપાટીએ પહોંચી ગયા હતા. સોનાના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.
સોનાનો અગાઉનો બંધ ભાવ રૂ.1,62,104 હતો, જે આજે વધીને રૂ.1,67,915ના સ્તરે ખૂલ્યો છે, આમ સોનામાં પ્રતિ દસ ગ્રામ રૂ.5,811નો જંગી ઉછાળો નોંધાયો છે. યુદ્ધની આ સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં પણ વધારો થયો છે, જેની સીધી અસર મોંઘવારી પર પડી શકે છે. શેરબજારમાં રોકાણકારોના નાણાં ધોવાઈ રહ્યા હોવાથી તેઓ સોના અને ચાંદી તરફ વળ્યા છે. આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતા છે.

