વેપાર@દેશ: સોના-ચાંદીમાં આજે તોફાની તેજી, ચાંદી રૂ.11,000થી વધુ ઉછળી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે બજાર ખુલતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં આજે તોતિંગ ઉછાળો નોંધાયો છે, જે રોકાણકારો માટે આશ્ચર્યજનક રહ્યો છે.આંકડા મુજબ, ચાંદીનો ગત બંધ ભાવ ₹2,31,348 હતો. આજે બજાર ખુલતા જ તે ₹2,40,601ના સ્તર પર ખૂલી હતી. સમાચાર લખવા સુધીમાં ચાંદીએ ₹2,44,770 ની હાઈ સપાટી વટાવી છે. હાલમાં ચાંદી ₹2,43,205 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹11,857નો ધરખમ વધારો દર્શાવે છે.
સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર તેજી જોવા મળી છે. સોનાનો ગત બંધ ભાવ ₹1,50,289 હતો, જે આજે વધીને ₹1,53,550 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,53,944 ની ઊંચી સપાટી બનાવી છે. હાલમાં સોનું ₹1,53,382 પર ટ્રેડ કરી રહ્યું છે, જે ₹3,093નો ઉછાળો સૂચવે છે.બજારના નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે સપ્તાહ માટે હુમલા સ્થગિત કરવાની જાહેરાત અને ઈરાન દ્વારા હોર્મુઝ સામુદ્રધુની ખોલવાની તૈયારીને કારણે બજારમાં નવી લેવાલી નીકળી છે. યુદ્ધની અનિશ્ચિતતા ઘટતા અને આર્થિક ગતિવિધિઓ ફરી શરૂ થવાની આશાએ કિંમતી ધાતુઓના ભાવમાં આ અચાનક તેજી જોવા મળી છે.

