વેપાર@દેશ: યુદ્ધની વચ્ચે સોનું રૂ.3,000 સસ્તું થયું, ચાંદીમાં પણ કડાકો, જાણો આજનો નવો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવ છતાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે. અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કિંમતી ધાતુઓના ભાવમાં મોટું ગાબડું પડ્યું હતું. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹2,690 થી ₹2,900 સુધીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો ₹5,000 સુધીનો મોટો કડાકો બોલી ગયો છે. આ જોડા પાછળ ક્રૂડ ઓઈલના વધતા ભાવ જવાબદાર છે. હાલમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $100.15 ને પાર કરી ગયું છે.
જ્યારે ક્રૂડ ઓઈલ મોંઘું થાય છે, ત્યારે વૈશ્વિક મોંઘવારી વધવાનો ભય ઊભો થાય છે. આ મોંઘવારીને ડામવા માટે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરો ઊંચા રાખે છે. જ્યારે વ્યાજ દરો ઊંચા હોય ત્યારે ડોલર મજબૂત બને છે અને લોકો સોના જેવી બિન-વ્યાજ આપતી સંપત્તિમાંથી નાણાં ખેંચી લે છે, પરિણામે ભાવમાં ઘટાડો થાય છે. યુદ્ધના માહોલમાં જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધે છે ત્યારે લોજિસ્ટિક્સ અને કાચા માલનો ખર્ચ વધી જાય છે. આનાથી શેરબજાર અને કોમોડિટી બજારમાં અસ્થિરતા આવે છે.
ચાંદીના ભાવમાં સોના કરતા પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં આશરે 2.11% નો ઘટાડો થયો હતો અને તે ₹2.53 થી ₹2.55 લાખ પ્રતિ કિલોગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહી હતી. ઔદ્યોગિક માંગમાં અનિશ્ચિતતા અને વૈશ્વિક મંદીના ભયને કારણે ચાંદી પર દબાણ વધ્યું છે. બજારના નિષ્ણાતો માને છે કે આ ઘટાડો ટૂંકા ગાળાનો હોઈ શકે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક શ્રેષ્ઠ તક છે.સોના અને ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો ગભરાવાને બદલે સમજદારીપૂર્વક રોકાણ કરવાની તક છે. યુદ્ધની સ્થિતિમાં બજાર અસ્થિર રહી શકે છે, પરંતુ ઐતિહાસિક રીતે સોનું લાંબા ગાળે હંમેશા નફો આપે છે.

