વેપાર@દેશ: સોનું દોઢ લાખને પાર, ચાંદીમાં પણ 5,000 રૂપિયાનો જંગી વધારો, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવા મહિનાના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો છે. વૈશ્વિક પરિબળો અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતા જતા ભૂરાજકીય તણાવની સીધી અસર સ્થાનિક બજાર પર પડી છે. આજે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલોએ ₹5000નો જંગી વધારો થયો છે, જ્યારે સોનાના ભાવ પણ નવી ઊંચાઈએ પહોંચ્યા છે.દેશના મુખ્ય શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,660 ને પાર કરી ગયો છે.

 

મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ મુંબઈ અને કોલકાતામાં સોનું ₹1,50,660 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચેન્નાઈમાં તે સૌથી વધુ ₹1,51,640 નોંધાયું છે. આ વધારાને કારણે જ્વેલરી શોરૂમમાં ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી રહી છે, કારણ કે મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું હવે એક મોટો પડકાર બની રહ્યું છે.

ચાંદીના રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ ઉત્સાહજનક રહ્યો છે. એક જ દિવસમાં ચાંદી પ્રતિ કિલો ₹2,55,000 એ પહોંચી ગઈ છે. ગઈકાલની સરખામણીએ આજે સીધો ₹5,000નો વધારો થયો છે. અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા શહેરોમાં 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹2,550 છે.  હૈદરાબાદ અને કેરળ જેવા દક્ષિણ ભારતના બજારોમાં ચાંદી વધુ મોંઘી છે, ત્યાં ભાવ પ્રતિ કિલો ₹2,65,000 સુધી પહોંચી ગયો છે.