વેપાર@દેશ: આજે સોનાના ભાવમાં 1200 અને ચાંદીમાં 3000નો તીવ્ર ઘટાડો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય બજાર સહિત આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં અચાનક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. સતત બીજા દિવસે બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં નરમ વલણ જોવા મળ્યું છે. MCX પર 4 સપ્ટેમ્બર ફ્યુચર માટે ચાંદીના ભાવમાં આશરે 3,000નો તીવ્ર ઘટાડો નોંધાયો છે.બજારના લેટેસ્ટ આંકડા મુજબ, ચાંદીનો ભાવ હાલમાં ઘટીને પ્રતિ કિલોગ્રામ 2,32,454 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ સોનાની વાત કરીએ તો, 5 ઓક્ટોબર ફ્યુચર માટે ગોલ્ડની કિંમત 1,200 તૂટીને 1,52,300ની નીચે આવી ગઈ છે.
સોના અને ચાંદીના દરોમાં આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક સ્તરે ભૌગોલિક તણાવ બનેલો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી તેજી આવી છે અને અમેરિકી ડોલર મજબૂત થઈ રહ્યો છે. આ સિવાય અમેરિકામાં મોંઘવારીના આંકડાઓએ પણ રોકાણકારોને ગૂંચવણમાં મૂક્યા છે. મોંઘવારી વધવાથી યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફેરફારને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ છે. જો વ્યાજદરમાં વધારો થશે તો સોના-ચાંદીના ભાવમાં હજુ પણ વધુ મોટો કડાકો આવી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ સતત તેજી બાદ હવે રોકાણકારો સોના-ચાંદીમાં ભારે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ શુક્રવારે સ્પોટ ગોલ્ડ આશરે 0.5% ઘટીને 4,326.75 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું અને સાપ્તાહિક ધોરણે પણ તે ઘટાડા તરફ આગળ વધી રહ્યું હતું. ગ્લોબલ માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવ તૂટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 40 ડોલર એટલે કે આશરે 1 ટકા ઘટીને 4,379.75 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે ચાંદી 1.30 ટકાના ઘટાડા સાથે 64.15 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.

