વેપાર@દેશ: સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો, ચાંદી ફરી 240000ની નીચે સરકી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ધ્રાસકો પડ્યો છે. ચાંદીના ભાવ ઘટીને ફરી એકવાર 240000 ની માનસિક સપાટીથી નીચે સરકી ગયા છે. એમસીએક્સ વાયદા બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનું તેના અગાઉના બંધ ભાવ 156281 રૂપિયા સામે આજે 155000.00 રૂપિયાના મથાળે ગેપ ડાઉન ઓપન થયું હતું. ટ્રેડિંગ દરમિયાન સોનામાં 2641 રૂપિયા સુધીનો કડાકો બોલાઈ ગયો હતો અને નીચામાં 153640.00 રૂપિયા સુધીની સપાટી જોવા મળી હતી.
બીજી તરફ ચાંદીના ભાવમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ 242444.00 રૂપિયા હતો, જેની સામે આજે તે 240011.00 રૂપિયા પર ખુલી હતી. ચાંદીમાં પણ દિવસ દરમિયાન 3665 રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને નીચામાં 238809.00 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ચાંદી ફરી 240000 ની મહત્ત્વપૂર્ણ સપાટી તોડીને નીચે આવી જતાં બજારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.

