વેપાર@દેશ: સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં જોવા મળી રિકવરી, જાણો આજનો રેટ

 
વેપાર
ચાંદીના બજારે રોકાણકારોને ચોંકાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોને મોટી રાહત મળી છે. સોનું પ્રતિ ૧૦ ગ્રામ આશરે રૂ.૨,૦૦૦ જેટલું સસ્તું થયું છે, જેને પગલે બજારમાં ખરીદી કરનારાઓ માટે સાનુકૂળ માહોલ સર્જાયો છે.બીજી તરફ સોનાથી વિપરીત ચાંદીના ભાવમાં આજે નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી છે.

આજે 2 જુલાઈના રોજ બજાર ખુલતાની સાથે જ સોનામાં ઘટાડાનો સિલસિલો સતત ચાલુ રહ્યો હતો. આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૪૪,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચ્યો હતો, અગાઉના દિવસે ભારતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૪૬,૪૫૪ પ્રતિ ૧૦ ગ્રામ હતો, જેમાં આજે એકઝેટ રૂ.૧,૯૦૪ નો મોટો કડાકો વાગ્યો છે. આ આંકડાકીય સુધારાને કારણે ગ્રાહકો માટે ૨૪ કેરેટ સોનાનો ૧ ગ્રામનો ભાવ રૂ.૧૯૦ જેટલો ઓછો થયો છે, જ્યારે ૧૦૦ ગ્રામ સોનું ખરીદવા પર સીધો રૂ.૧૯,૦૦૦ નો મોટો ફાયદો મળી રહ્યો છે. આ જ પ્રમાણે, દાગીના બનાવવા માટે વપરાતા ૧૮ કેરેટ સોનાનો ભાવ પણ ગઈકાલના બંધથી રૂ.૧,૪૨૮ તૂટીને રૂ.૧,૦૮,૪૧૨.૫ પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયો છે.

સોનામાં ચાલી રહેલા આ મંદીના માહોલ વચ્ચે ચાંદીના બજારે રોકાણકારોને ચોંકાવ્યા છે. નીચા સ્તરે ડિમાન્ડ નીકળવાના કારણે આજે હાજર બજારમાં ચાંદીના ભાવમાં ૦.૬૪% નો સુધારો જોવા મળ્યો છે. આ આંશિક તેજીને કારણે ગઈકાલના બંધ ભાવની તુલનામાં પ્રતિ કિલોગ્રામે રૂ.૧,૪૦૦ થી રૂ.૧,૫૦૦ ની વચ્ચેનો વધારો નોંધાયો છે. ભાવમાં થયેલા આ વધારા બાદ આજે દેશભરના છૂટક બજારોમાં ચાંદીનો ભાવ રૂ.૨,૪૦,૧૦૦ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. કેટલાક પસંદગીના પ્રાદેશિક બજારોમાં સ્થાનિક કરવેરા અને જકાતના કારણે ચાંદીનો ભાવ રૂ.૨,૪૫,૦૦૦ પ્રતિ કિલોગ્રામની સપાટી પર પણ ટ્રેડ થઈ રહ્યો છે.