વેપાર@દેશ: સોનાના ભાવ 1,44,500ની નવી ઊંચાઈએ પહોંચ્યા, ચાંદીમાં પણ તોફાની તેજી

 
ગોલ્ડ
ચાંદીના વધુ રૂ.૭૦૦૦ ઉછળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી આગળ વધતાં નવા રેકોર્ડ ઊંચા ભાવ જોવા મળ્યા  હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૦૯થી ૪૫૧૦ ડોલરવાળા વધુ ઉછળી ઉંચામાં ભાવ ૪૬૦૦ ડોલરની નવી ઉંચી સપાટીને આંબી ગયા  પછી ભાવ ૪૫૮૨થી ૪૫૮૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૭૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૪૪૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૪૫૦૦ બોલાતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૭૦૦૦ ઉછળી રૂ.૨૫૫૦૦૦ બોલાતાં નવો રેકોર્ડ થયો હતો.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૭૯.૮૫થી ૭૯.૮૮ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૮૪.૬૦ થઈ ૮૩.૮૬થી ૮૩.૮૭ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તથા ટ્રમ્પ વચ્ચે તણાવ વધતાં ડોલરનો  વૈશ્વિક ઈન્ડેક્સ ગબડયો હતો અને તેના પગલે વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધતી જોવા મળી હતી.  આ ઉપરાંત વેનેઝુએલા પછી હવે અમેરિકાના પ્રમુખે ઈરાન તરફ તથા ગ્રીનલેન્ડ અને કોલમ્બીયા તરફ લાલ આંખ કરતાં વૈશ્વિક રાજકીય ભીતિના પગલે પણ સોનામાં સેફ હેવન સ્વરૂપની માગ વધ્યાના વાવડ મળ્યા હતા.આજે સોનાના ભાવ વધી જીએસટી વગગર ૯૯૫ના રૂ.૧૩૯૮૮૭ તથા ૯૯૯ના  રૂ.૧૪૦૪૪૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે રૂ.૯૦૦૦ ઉછળી જીએસટી વગર ભાવ રૂ.૨૫૭૨૮૩ થઈ ૨૫૬૭૭૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.