વેપાર@દેશ: ધનતેરસના દિવસે સોનાના ભાવમાં તોતિંગ વધારો, જાણો આજનો ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ધનતેરસની શુભ શરૂઆત છે, જેને સોનાની ખરીદી માટે અતિ શુભ માનવામાં આવે છે. જો કે, આ ધનતેરસ પર સોનાના ભાવમાં થયેલો તોતિંગ વધારો રોકાણકારોને ચોંકાવી રહ્યો છે. ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં આ વર્ષે સોનાની કિંમતમાં 60 ટકાથી વધુનો જંગી વધારો થયો છે, જેણે ગોલ્ડને રોકાણનો સૌથી સફળ વિકલ્પ સાબિત કર્યો છે.વર્ષ 2024 ધનતેરસના દિવસે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 80,510 રૂપિયા હતી. તેની સરખામણીએ આ વખતે સોનાની કિંમત 1,34,000 રૂપિયા આસપાસ પહોંચી ગઈ છે.
આ દર્શાવે છે કે માત્ર એક વર્ષમાં સોનાના ભાવમાં 60 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ રોકાણકારોને સતત સકારાત્મક વળતર આપ્યું છે, જેમાં માત્ર 2020-21 નાણાકીય વર્ષમાં 5 ટકા નકારાત્મક વળતર નોંધાયું હતું. 2022-23 સોનાનું વળતર 20 ટકા, 2023-24માં સોનાનું વળતર 30 ટકાને વટાવી ગયું. વર્તમાન વર્ષ 2024-25માં સોનાનું વળતર 55 ટકા પર પહોંચી ગયું છે. જો કોઈ રોકાણકારે ગયા વર્ષે ધનતેરસ પર 1 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હશે, તો આ ધનતેરસ સુધીમાં તેને 55,000 રૂપિયાથી વધુનો નફો થયો છે.
સોનાની કિંમતોમાં આટલો મોટો ઉછાળો હોવા છતાં, મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ જળવાઈ રહી છે. વર્ષ 2025માં જથ્થાની દ્રષ્ટિએ ગત વર્ષની સરખામણીએ 20 ટકા ઓછું વેચાણ થયું હોવા છતાં, તેના કુલ મૂલ્યમાં 15થી 20 ટકાનો ઉછાળો દેખાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે સોનું આજે પણ સૌથી પસંદીદા રોકાણ વિકલ્પ છે.