વેપાર@દેશ: સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, 88000 રૂપિયાની સપાટી કુદાવી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યું

 
વેપાર
ચાંદીમાં 500 રૂપિયાની તેજી આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનાના ભાવમાં એક જ દિવસમાં 1100 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. પરિણામે ઇતિહાસમાં સોનું પહેલીવાર 88000 રૂપિયાની સપાટી કુદાવી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યું છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે અમદાવાદના સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં 1100 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે ઇતિહાસમાં પહેલીવાર સોનાના ભાવ 88000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે.

આજે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ 88600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે, જે રેકોર્ડ હાઇ ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 88300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આગલા દિવસે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાનો ભાવ 87500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. સોના પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. આજે અમદાવાદના સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીમાં 500 રૂપિયાની તેજી આવી છે. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 94500 રૂપિયા થઇ છે. તો 1 કિલો ચાંદી રૂપુની કિંમત 94300 રૂપિયા થઇ છે. આગલા દિવસે ચાંદી ચોરસાની કિંમત 94000 રૂપિયા હતી.

31 જાન્યુઆરી, 2025ના રોજ સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 85000 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 93000 રૂપિયા હતા. તો 10 ફેબ્રુઆરીએ સોનું 88600 રૂપિયા અને ચાંદી 94500 રૂપિયા થયા છે. આમ ફેબ્રુઆરી મહિનાના 10 દિવસમાં સોનું 3600 રૂપિયા અનેચાંદી 1500 રૂપિયા મોંઘા થયા છે.