વેપાર@દેશ: ચાંદીના ભાવમાં ₹10,566નો મોટો કડાકો, જાણો સોનું કેટલું સસ્તું થયું?
બંનેની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આજે સોના અને ચાંદી બંનેની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. સોમવારના ભાવની સરખામણીએ આજે એક કિલો ચાંદીના ભાવમાં ₹10,566નો મોટો કડાકો બોલાયો છે, જેને પગલે ચાંદી ₹2.37 લાખથી ઘટીને ₹2.27 લાખ પર આવી ગઈ છે.તેમજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પણ ₹2,522 ઘટીને ₹1.45 લાખ પર પહોંચી ગયો છે, જે ગઈકાલે ₹1.47 લાખ પર હતો. આ ચાલુ મહિના દરમિયાન સોનામાં ₹10,748 અને ચાંદીમાં ₹36,015નો ઘટાડો જોવા મળ્યો છે.
ચાલુ વર્ષે સોના-ચાંદીના બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ સોનાનો ભાવ ₹1.33 લાખ હતો, જે 29 જાન્યુઆરીએ વધીને ₹1.76 લાખની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારથી અત્યાર સુધીમાં સોનું ₹31,333 સસ્તું થઈ ચૂક્યું છે. બીજી તરફ, ચાંદી પણ 29 જાન્યુઆરીએ ₹3.86 લાખના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી, જે છેલ્લા 145 દિવસમાં ₹1.59 લાખ સસ્તી થઈને હાલ ₹2.27 લાખ પર ટ્રેડ કરી રહી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વિદેશી ખરીદી ઘટાડવા અને દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) પરનું દબાણ ઓછું કરવા માટે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે.

