વેપાર@દેશ: કડાકાના દોર બ્રેક, ચાંદીમાં રૂ.3856 નો જંગી ઉછાળો, સોનું પણ રૂ.2772 ઉછળ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મહાકડાકાના દોર પર આખરે બ્રેક વાગી છે. નવા સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે બજાર ખુલતાં જ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર રિકવરી અને તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. સોનામાં રૂ.2772 અને ચાંદીમાં રૂ.3856 નો મોટો ઉછાળો નોંધાતા બુલિયન બજારમાં ફરી તેજીનો કરંટ જોવા મળ્યો છે.આજના કારોબારની શરૂઆતથી જ ચાંદીમાં ભારે ખરીદીનું જોર જોવા મળ્યું હતું. શુક્રવારના જૂના બંધ ભાવ 147813 સામે સોમવારે ચાંદી 149053 ના સ્તરે ખૂલી હતી, જે આજનો તેનો નીચલો સ્તર પણ રહ્યો હતો. ત્યારબાદ ભાવ સતત વધીને આજના ઊંચા સ્તર એટલે કે 151669 સુધી પહોંચી ગયા હતા. ચાંદીમાં કુલ રૂ.3856 નો મોટો ઉછાળો નોંધાયો છે.ચાંદીની સાથે-સાથે સોનાના ભાવમાં પણ ઘટાડાનો દોર થંભી ગયો છે. શુક્રવારના જૂના બંધ ભાવ 121778 સામે સોમવારે સોનું 124443 ના ભાવે ખૂલ્યું હતું.
કારોબાર દરમિયાન નીચામાં 123806 ના સ્તરે ગયા બાદ સોનું ઉછળીને આજના હાઈ 124550 સુધી પહોંચી ગયું હતું. આમ, સોનામાં કુલ રૂ.2772 નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીમાં આવેલી આ તેજીને કારણે કડાકાનો સિલસિલો અટક્યો છે અને રોકાણકારો તથા વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે યુએસ ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવાની ચર્ચા વચ્ચે છેલ્લા ઘણા સમયથી બજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી હતી.

