વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં ફરી તેજી, સોનું રૂ.600 તો ચાંદી રૂ.2500થી વધું મોંઘી થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના અને ચાંદીના ભાવોમાં ફરી એકવાર શાનદાર રિકવરી જોવા મળી છે. ખાસ કરીને એમસીએક્સ ખાતે સોના અને ચાંદી બંને ધાતુઓના વાયદા ભાવમાં મોટો ઉછાળો નોંધાતા રોકાણકારો તેમજ વેપારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બજારના આજના તાજા આંકડાઓ પર નજર કરીએ તો, સોનાના વાયદામાં અગાઉના બંધ ભાવ રૂ.1,47,489 ના મુકાબલે નવી લેવાલી નીકળતા તે રૂ.1,47,781 ના મજબૂત મથાળે ખૂલ્યો હતો.
ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો અને તેમાં અગાઉના બંધ ભાવની સરખામણીએ રૂ.691 નો વધારો નોંધાતા ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ.1,48,180 સુધી પહોંચી ગયો હતો.ચાંદીના વાયદા બજારમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ.2,10,660 હતો, જે આજે વધીને રૂ.2,11,792 ના મથાળે ઓપન થયો હતો. દિવસ દરમિયાન ચાંદીમાં ખરીદદારોનું ભારે આકર્ષણ રહેતા તેના ભાવમાં રૂ.2,540 નો વિરાટ ઉછાળો નોંધાયો હતો અને ભાવ રૂ.2,13,200 ના ઊંચા સ્તરે પહોંચી ગયા હતા.

