વેપાર@દેશ: સોનામાં રૂ.5000થી વધુનો ઘટાડો, જ્યારે ચાંદીમાં માત્ર 5 મિનિટમાં રૂ.9448નો કડાકો

 
ગોલ્ડ
એકઝાટકે કડાકો થતાં બજારમાં ખળભળાટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના-ચાંદીના MCX માર્કેટમાં આજે ભારે વેચવાલીના દબાણ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મહાકડાકો બોલી ગયો છે. બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં માત્ર 5 મિનિટના કારોબારમાં જ 9448 રૂપિયાનો એકઝાટકે કડાકો થતાં બજારમાં ખળભળાટ મચી ગયો છે.આજના કારોબાર દરમિયાન ચાંદી તેના જૂના બંધ ભાવ 157482 સામે ગગડીને 151183 ના સ્તરે ખૂલી હતી, જે આજનો તેનો ઊંચો સ્તર પણ રહ્યો હતો. ત્યારબાદ ઝડપી ઘટાડા સાથે ચાંદી નીચામાં 148034 ના સ્તરે પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં એકઝાટકે 5 મિનિટમાં જ 9448 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે.

સોનામાં પણ સવારથી જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું તેના જૂના બંધ ભાવ 127452 સામે ઘટીને 123629 ના નવા ઓપન ભાવે ખૂલ્યું હતું, જે આજનો હાઈ પણ રહ્યો હતો. ત્યારબાદ ભાવ વધુ તૂટીને નીચામાં 122234 ના સ્તરે પહોંચ્યા હતા. બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂપિયાનો મોટો કડાકો નોંધાયો છે. અમેરિકામાં મોંઘવારીની ચિંતા વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી આશંકા વધી છે. ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીને કારણે સોના પર દબાણ વધ્યું છે. ડોલર મજબૂત થતાં અન્ય દેશોના ખરીદદારો માટે સોનાની ખરીદી મોંઘી બને છે. અમેરિકાના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 5% થી ઉપર જળવાઈ રહી છે, જેના કારણે રોકાણકારો માટે સોનાની સરખામણીએ બોન્ડ વધુ આકર્ષક બન્યા છે. ટેક્નોલોજી અને AI કંપનીઓના શેરોમાં ઘટાડાને પગલે રોકાણકારો અન્ય એસેટ્સમાં પણ વેચવાલી કરી રહ્યા છે, જેની અસર સોના પર પણ પડી છે.