વેપાર@દેશ: છેલ્લા 10 દિવસમાં રૂ.8660 સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ રૂ.15000નો ઘટાડો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્કછ
છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિવાળી બાદ છૂટક બજારમાં માંગ ઘટવી અને આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈને કારણે સોનાની ચમક ફીકી પડી છે. છેલ્લા 10 દિવસમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું રૂ.8660 અને 22 કેરેટ સોનું રૂ.7950 સસ્તું થયું છે. આ 10 દિવસ દરમિયાન સોનાના ભાવમાં 5 દિવસ ઘટાડો નોંધાયો છે.જેમાં 10થી 13 નવેમ્બર સુધી સતત 4 દિવસ ભાવમાં ઘટાડો થયો હતો.દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,37,770 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,26,300 છે.
મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,26,150 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,37,620 છે. હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,26,200 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,37,670 છે.ચાંદીની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં રૂ.15000નો ઘટાડો થયો છે. માગમાં સુસ્તી અને જોરદાર તેજી બાદ રોકાણકારો દ્વારા નફો બુક કરવાને કારણે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસમાં માત્ર 3 દિવસ ચાંદીના ભાવમાં ફેરફાર થયો હતો. આ ત્રણેય દિવસ એટલે કે 6 નવેમ્બર, 11 નવેમ્બર અને 13 નવેમ્બરના રોજ 1 કિલો ચાંદીના ભાવમાં રૂ.5000નો ઘટાડો થયો હતો. આમ, 10 દિવસમાં ચાંદી રૂ.15000 સસ્તી થઈ છે. હાલમાં દિલ્હીમાં 1 કિલો ચાંદી રૂ.1,95,000ના ભાવે વેચાઈ રહી છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા અન્ય મોટા શહેરોમાં પણ ચાંદીનો ભાવ આટલો જ છે.નબળા વૈશ્વિક સંકેતો અને તહેવારોની સિઝન બાદ માંગમાં આવેલી સુસ્તીને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.
આગામી દિવસોમાં ડોલરની ચાલ, ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને મોનેટરી પોલિસી જેવા પરિબળો સોના-ચાંદીના ભાવની દિશા નક્કી કરશે. LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ-રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, આ તમામ પરિબળો પર બજારની નજર રહેશે. બીજી તરફ, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના અંદાજ મુજબ, વર્ષ 2027ના અંત સુધીમાં 10 ગ્રામ સોનાની કિંમત રૂ.1.87 લાખથી વધુ થઈ શકે છે. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ રૂ.5.45 લાખ સુધી પહોંચી શકે છે.

