વેપાર@દેશ: સોનું રૂ.3000થી વધું તૂટ્યું, ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલી નરમાઈ અને વૈશ્વિક આર્થિક પરિબળોની સીધી અસર સ્થાનિક વાયદા બજાર પર જોવા મળી છે, જેના કારણે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી નીકળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર વાયદાના સોનામાં ગત સત્રનો બંધ ભાવ રૂ. 153277 હતો, જે આજે ઘટીને નવા ઓપન ભાવ 150399 પર ખુલીને મોટો ઘટાડો દર્શાવ્યો હતો. બજાર ખુલ્યા બાદ પણ સોનું નીચામાં 150224 સુધી ગયું હતું. સોનું રૂ.150517 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવની સરખામણીમાં આશરે 1.80%ના ઘટાડાને દર્શાવે છે. સોનામાં આજે 3053થી વધુનો કુલ કડાકો બોલાઈ ગયો હતો. પછીથી તેમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી.
ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર ડિસેમ્બર વાયદાની ચાંદીનો ગત બંધ ભાવ રૂ.234696 હતો, જે આજે ઘટીને નવા ઓપન ભાવ રૂ. 232300 પર ખુલી હતી. કારોબાર દરમિયાન ચાંદી ઘટીને નીચામાં રૂ. 228035 ના સ્તરે પહોંચી ગઈ હતી. હાલમાં ચાંદી રૂ. 228783 ના સ્તરે ટ્રેડ થઈ રહી છે, જે અગાઉના બંધ ભાવ સામે અંદાજે 2.52% ના મોટા ઘટાડાને દર્શાવે છે. આજે ચાંદી કુલ 6661 રૂપિયા જેટલી તૂટી ગઇ હતી.જેમાં પછીથી થોડીક રિકવરી દેખાઈ હતી.
અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે નીચેના કારણો જવાબદાર છે. વૈશ્વિક સ્તરે યુએસ ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે, જેના કારણે સોના-ચાંદી જેવા નોન-યીલ્ડિંગ એસેટ્સ પર દબાણ વધ્યું છે. વૈશ્વિક બજારના રોકાણકારો આગામી દિવસોમાં જાહેર થનારા મહત્વપૂર્ણ યુએસ આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વના વલણ પર નજર રાખી રહ્યા છે, જેના કારણે ટ્રેડર્સ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કરન્સીની અસ્થિરતા અને કમોડિટી માર્કેટમાં ઊંચા ઘટાડા-વધારાને કારણે રોકાણકારો અત્યારે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

