વેપાર@દેશ: બે દિવસમાં સોના ચાંદીમાં મોટો કડાકો, સોનું રૂ.3,890 અને ચાંદી રૂ.9,665 ગગડી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મંગળવારના મોટા ઘટાડા બાદ આજે (25 નવેમ્બર) પણ મંદીનો દોર જારી રહ્યો છે. બે દિવસમાં જ કિંમતી ધાતુઓમાં મોટો કડાકો બોલાઈ જતાં રોકાણકારોમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. જોકે આ કડાકો 24 કલાકથી પણ ઓછા સમયમાં બોલાયો છે કેમ કે મંગળવારે ગુરુ નાનક જયંતિને કારણે શેરબજાર બંધ હતું અને સાંજે 5 વાગ્યે કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું હતું.
ગઈકાલના બંધ ભાવ 122,329 રૂપિયા સામે બુધવારે સોનું 121,900 રૂપિયા પર ખૂલ્યું હતું. દિવસ દરમિયાન 122,120 રૂપિયાનો હાઈ અને 121,750 રૂપિયાનો નીચલો સ્તર બનાવીને સોનું 579 રૂપિયા સસ્તું થયું છે.ગઈકાલના બંધ ભાવ 145,438 રૂપિયા સામે ચાંદી 145,003 રૂપિયા પર ખૂલી હતી. દિવસ દરમિયાન 145,386 રૂપિયાનો હાઈ અને 144,453 રૂપિયાનો નીચલો સ્તર બનાવીને ચાંદી વધુ 985 રૂપિયા ઘટી છે.મંગળવાર અને બુધવારના કારોબારી દિવસોને સરખાવતાં કિંમતી ધાતુઓના ભાવમાં જંગી ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં મંગળવારે 3,311 રૂપિયા અને બુધવારે 579 રૂપિયા ઘટીને બે દિવસમાં કુલ 3,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો મોટો કડાકો બોલાયો છે. ચાંદીના ભાવમાં મંગળવારે 8,680 રૂપિયા અને બુધવારે 985 રૂપિયા ઘટીને બે દિવસમાં કુલ 9,665 રૂપિયા પ્રતિ કિલો ગબડી છે.

