વેપાર@દેશ: આજે ધનતેરસના દિવસે ચાંદી રૂ.3,440 અને સોનું રૂ.1,994 ગગડ્યું, જાણો નવા ભાવ

 
ગોલ્ડ
ભાવ ગગડી જતાં રોકાણકારોમાં ખળભળાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે શુક્રવારે બુલિયન માર્કેટ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે અચાનક તીવ્ર કડાકો નોંધાયો છે. ધનતેરસના દિવસે જ નફારૂપી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવ ગગડી જતાં રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો છે. ચાંદીના વાયદા બજારની વિગતો જોઈએ તો, ગુરુવારનું જૂનું ક્લોઝિંગ રૂ.1,87,140 પર રહ્યું હતું.

આજે શુક્રવારે બજાર ખુલતાં ચાંદી રૂ.1,85,499ની સપાટીએ ઓપન થઈ હતી અને આ જ સ્તર તેનો દિવસનો હાઈ પણ રહ્યો હતો. ખુલ્લા બજારે અચાનક જ જોરદાર વેચવાલીનું દબાણ આવતાં ચાંદી ગગડીને પ્રતિ કિલોએ રૂ.1,83,700 ની નીચલી સપાટીએ પહોંચી ગઈ હતી. આમ, ગુરુવારના ક્લોઝિંગ ભાવ સામે ચાંદીમાં એકઝાટકે રૂ.3,440 નો મોટો કડાકો બોલાઈ ગયો છે.બીજી તરફ સોનાના ભાવમાં પણ પ્રારંભિક કારોબારમાં જ મોટું ગાબડું પડ્યું છે. સોનાનું ગઈકાલનું ક્લોઝિંગ રૂ.1,44,095 હતું. આજે શુક્રવારે સોનાનું ઓપનિંગ રૂ.1,42,161 પર થયું હતું અને તે વધીને રૂ.1,42,601 ના હાઈ સુધી પહોંચ્યું હતું. પરંતુ મંદીવાળાઓની પકડ મજબૂત બનતાં સોનું ઘટીને પ્રતિ 10 ગ્રામ રૂ.1,42,101 ની નીચલી સપાટીએ સ્પર્શ્યું હતું. જેથી અગાઉના બંધ ભાવની તુલનાએ સોનામાં એકઝાટકે રૂ.1,994 નો તીવ્ર ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ડોલરની સ્થિતિ અને પ્રોફિટ બુકિંગના કારણે કીમતી ધાતુઓમાં આ નરમાઈ જોવા મળી રહી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.