વેપાર@દેશ: સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, ચાંદી એક્ઝાટકે રૂ.10000 સસ્તી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં તિવ્રઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં તેજી હોવા છતાં સ્થાનિક બજારમાં વેચાણ દબાણને કારણે કિંમતો તૂટી છે. શુક્રવારે ચાંદીની કિંમતમાં 10,000 રૂપિયાનો જંગી ઘટાડો થયો હતો. જ્યારે સોનું પણ 2,700 રૂપિયા ગગડ્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારે બુલિયન બજારની રજા રહે છે.
શુક્રવારે દિલ્હી બજારમાં ચાંદીનો ભાવ 10,000 રૂપિયા ઘટીને 2,34,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે, જે અગાઉ ગુરુવારે 2,44,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આ ઉપરાંત 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 2,700 રૂપિયા ઘટીને 1,55,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે, જે ગુરુવારે 1,58,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સોનું 1.15 ટકા વધીને 4,366.58 ડોલર પ્રતિ ઓંસ અને ચાંદી લગભગ 2 ટકાની મજબૂત તેજી સાથે 64.77 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં થોડો સુધારો થયો છે, પરંતુ તે હજુ પણ દબાણમાં છે અને સતત ત્રીજા સપ્તાહે ઘટાડાની રાહ પર છે.

