વેપાર@દેશ: સોનાના ભાવમાં કુલ રૂ.3,730 નો મોટો ઘટાડો, ચાંદી પણ 2 લાખથી નીચે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાયદા બજાર પર છેલ્લા બે દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલાઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે. આજે ચાંદીમાં રૂ.3,799 નો ઘટાડો થતાં પહેલાં ગઈકાલે જ રૂ.8,800 જેટલો તોતિંગ કડાકો બોલાયો હતો. આમ, માત્ર બે જ દિવસના ગાળામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ.12,599 સુધીનું જંગી ગાબડું પડતાં તેની કિંમત રૂ.2,00,000 ની નીચે ઘટીને આવી ગઈ છે. આજે સવારે ચાંદીનો ઓપન ભાવ રૂ.2,12,319.00 નોંધાયો હતો, જ્યારે તેનો જૂનો બંધ ભાવ રૂ.2,11,187.00 રહ્યો હતો.સોનાના ભાવમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે.
ગઈકાલે સોનાના ભાવમાં રૂ.2,479 નો ઘટાડો નોંધાયા બાદ આજે ફરી સોનું રૂ.1,251 તૂટ્યું હતું. આ સાથે જ છેલ્લા બે દિવસ દરમિયાન 10 ગ્રામ સોનાના ભાવમાં કુલ રૂ.3,730 નો મોટો ઘટાડો નોંધાતાં સોનું રૂ.1,42,000 ના લેવલે આવી ગયું છે. આજે MCX પર સોનાનો ઓપન ભાવ રૂ.1,48,397.00 રહ્યો હતો, જ્યારે તેનો અગાઉનો જૂનો બંધ ભાવ રૂ.1,47,918.00 નોંધાયો હતો.સોના-ચાંદીના ભાવમાં અચાનક આવેલા આ મોટો કડાકા પાછળ મુખ્યત્વે ૩ વૈશ્વિક કારણો જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. પ્રથમ, મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને રાતા સમુદ્રના માર્ગો પ્રભાવિત થતાં વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ વધીને $112 પ્રતિ બેરલને વટાવી ગયા છે. બીજું, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો લાંબા સમય સુધી જાળવી રાખવાની આશંકાએ રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પાડ્યું છે. ત્રીજું, અમેરિકાના ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાને કારણે રોકાણકારો કિંમતી ધાતુઓમાંથી નાણાં ખેંચીને બોન્ડ તરફ વળ્યા છે, જેના લીધે બજારમાં ભારે વેચવાલીનું દબાણ સર્જાયું છે.

