વેપાર@તાપી: શાળાઓમાં કરોડોનું કરિયાણું વેચતી એજન્સી કોના આશીર્વાદે વર્ષોથી રિન્યુ, નોટિસ ક્યારે છૂટશે

 
Vepar
વડી કચેરી સમક્ષ માર્ગદર્શન પણ માંગ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


તાપી  જિલ્લામાં આવેલી આદીજાતી  વિકાસ વિભાગની શાળાઓમાં કરીયાણાની ચીજવસ્તુઓના વેપારમાં સૌથી  મોટો ઘટસ્ફોટ થયો છે. વર્ષોથી ટેન્ડર વગર દર વર્ષે રીન્યુ કરી/કરાવી એકબીજાના મેળાપીપણામાં ચાલતો કરોડોનો વેપાર હવે છાપરે ચડીને બહાર આવ્યો છે. ભૂતકાળના અધિકારીઓએ ટકાવારીના જોરે વડી કચેરીને જાણ ના કરી અથવા સરકારના હિતમાં દર વર્ષે ટેન્ડર ના કર્યા તો સાથે સાથે આ એજન્સીએ પણ સરકારના હિતમાં વડી કચેરીને કોઈ જાણ ના કરી. એક વફાદાર સંસ્થા તરીકે આ એજન્સીની પણ જવાબદારી બને પરંતુ સામેથી ઘર આંગણે ગંગા આવતી હોવાથી કરોડોના વેપાર કરવાની તક છોડી નહી. હવે જ્યારે તાપી મદદનીશ કમિશ્નરની કચેરી પાસેથી વિગતો માંગવામાં આવી છે ત્યારે આ એજન્સીને નોટીસ કેમ નહિ તેનો આ સ્પેશ્યલ રીપોર્ટ.

તાપી જિલ્લા સેવા સદનમાં આવેલી આદીજાતી વિકાસના મદદનીશ કમિશ્નરની કચેરી હેઠળ અનેક શાળાઓમાં કરીયાણાની ચીજવસ્તુઓ ખાનગી એજન્સી દ્વારા પહોંચે છે. આ ચીજવસ્તુઓનું વર્ષે કરોડોનું બીલ બને છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, વર્ષો પહેલાં માત્ર 12 મહિના માટે ટેન્ડર દ્રારા મંજૂર થયેલી એજન્સી દર વર્ષે રીન્યુ કરવામાં આવી છે. એટલે કે પાંચ વર્ષ પહેલાં જ્યારે ટેન્ડર થયું એ થયું અને પછી દરેક મદદનીશ કમિશ્નરે રિન્યુ કરીને આ એજન્સી પાસેથી કરીયાણું લઈ કરોડોનો વેપાર કર્યો છે. આ સમયગાળામાં આવતાં લગભગ દરેક અધિકારી સામે એક અથવા એકથી વધુ વિષયમાં આજે તપાસ ચાલુ છે ત્યારે હવે આ એજન્સીને પણ નોટિસ કેમ નહિ ? વાંચો નીચેના ફકરામાં 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત સમયગાળામાં આવતાં મદદનીશ કમિશ્નરે કોઈ ઈરાદે સરકારના નિયમો નેવે મૂકી દર વર્ષે ટેન્ડર ના કર્યું પરંતુ શું આ એજન્સીની સરકારના હિતમાં જવાબદારી નથી? એજન્સીનો સમયગાળો 12 મહિને પૂર્ણ થતો હતો અને અધિકારીએ ગેરકાયદેસર રીતે રિન્યુ કરી તો શું આ એજન્સી વડી કચેરીને જાણ ના કરી શકે ? સામેથી ગેરકાયદેસર વેપાર મળતો હોય તો શું આવો વેપાર કરી લેવાનો ? આ બાબતે તાપી આદિજાતિ વિકાસની કચેરીના નિરજભાઇને પૂછતાં જણાવ્યું કે, હજુ હમણાં જ મને કેટલીક શાળાઓની જવાબદારી મળી છે, જ્યારે વડી કચેરીએ વિગતો માંગી તો અમે આપી છે અને વડી કચેરી સમક્ષ માર્ગદર્શન પણ માંગ્યું છે. તો શું વધારે વિગતો અને ખુલાસા માટે એજન્સીને નોટીસ ના આપી શકાય? આ સવાલ સામે જણાવ્યું કે, હવે અધિકારી મારફતે એજન્સી પાસેથી વિગતો માંગવા સહિતની કામગીરી કરીશું. વાંચો નીચેના ફકરામાં સૌથી મોટો ઘટસ્ફોટ.

આ એજન્સીના સંચાલક સામે પણ વડી કચેરી ધારે તો કાર્યવાહી કરી શકે


ટેન્ડર વગર દર વર્ષે એજન્સી રીન્યુ થાય એ બાબતે તાપી કચેરીના વડા થોરાટ અને નિરજભાઇએ કહ્યું કે, કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે હોય એ બરાબર છે. હવે જ્યારે આજથી વર્ષો પહેલાં આ એજન્સીને એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ મળ્યો હતો તો પછી એજન્સીએ રિન્યુ થવા પોતાને કેમ સહમતી આપી ? શું આ એજન્સી સરકારના હિતમાં કામ કરવા બંધાયેલી નથી ? ગાંધીનગર સ્થિત કમિશ્નર કચેરીએ આ સમગ્ર મામલે એજન્સીને નોટીસ આપી ખુલાસો પૂછવા તાપી મદદનીશ કમિશ્નરને આદેશ કરી શકે ?