રાહતઃ અદાણી ગેસ તરફથી ભાવમાં પ્રતિ કિલોગ્રામ 3.48 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો

એક અંદાજ પ્રમાણે વર્ષ પહેલા એક કિલોગ્રામ સીએનજીની કિંમત 56 રૂપિયા હતી. હાલ ભાવ વધીને 86 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમુક જગ્યાએ કિંમત 86 રૂપિયાથી પણ વધી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં સીએનજીથી ચાલતા વાહનો પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે.
 
ગેસ

અટલ સમાચાર, ડેસ્ક


પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા હતા. છેલ્લા થોડા સમયથી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અમુક રાજ્યોમાં સીએનજીના ભાવમાં ઘટાડો થયો હતો. ગુજરાતની વાત કરવામાં આવે તો અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અદાણી ગેસ તરફથી ભાવમાં પ્રતિ કિલોગ્રામ 3.48 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં એક કિલોગ્રામ ગેસનો ભાવ 87.38 રૂપિયા હતો. અદાણી ગેસ ભાવમાં ઘટાડો કર્યા બાદ નવો ભાવ 83.90 રૂપિયા થયો છે. એટલે કે ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મુંબઈની મહાનગર ગેસ લિમિટેડ કંપનીએ મોંઘવારીથી પીડાતા લોકોને રાહત આપતો નિર્ણય કર્યો છે. કંપની તરફથી સીએનજીના ભાવમાં એક સાથે છ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

સીએનજીના ભાવમાં એક જ વર્ષમાં તોતિંગ વધારો થયો છે. એક અંદાજ પ્રમાણે વર્ષ પહેલા એક કિલોગ્રામ સીએનજીની કિંમત 56 રૂપિયા હતી. હાલ ભાવ વધીને 86 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમુક જગ્યાએ કિંમત 86 રૂપિયાથી પણ વધી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં સીએનજીથી ચાલતા વાહનો પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે.

બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારા બાદ લોકો સીએનજી વાહન તરફ વળ્યા હતા. કાર ઉત્પાદક કંપનીઓએ પણ સીએનજી વેરિઅન્ટ્સ લોંચ કર્યા છે. જોકે, સીએનજીના ભાવમાં પણ વધારે થતાં સીએનજી ફિટેડ વાહનો લેનાર ગ્રાહકોએ વધારો ફાયદો થયો નથી. બીજી તરફ જૂનાગઢમાં કાર્યરત ટોરંગ ગેસ તરફથી સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપની તરફથી સીએનજી અને પીએનજીના ભાવમાં પાંચ રૂપિયા પ્રતિકિલોગ્રામ અને પાંચ રૂપિયા પ્રતિ SCM ઘટાડો કરવામાં આવ્યો છે. નવો ભાવ 17મી ઓગસ્ટથી લાગૂ થયો છે. ટોરંગ ગેસ સાત રાજ્યના 34 જિલ્લામાં સીએનજી અને પીએનજી માટે નેટવર્ક ધરાવે છે. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, મહરાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ અને તેલંગાણા સામેલ છે.
  
પેટ્રોલ અને ડીઝલની કિંમત છેલ્લા ઘણા સમયથી સ્થિર રહી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂડી ઘટાડ્યા બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રહેવા પામી છે.  બીજી તરફ ક્રૂડ ઓઇલનો ભાવ 93 ડૉલર પ્રતિ બેરલ આસપાસ રહ્યો છે.