રાહતઃ સોનાના ભાવમાં ઘટાડો અને બે દિવસમાં ચાંદીની કિંમતમાં રૂ. 2000નો ઘટાડો નોંધાયો
gold

અટલ સમાચાર,ડેસ્ક


  લોકલ બજારમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર શુક્રવારે સવારે ભારતીય વાયદા બજાર પર પણ જોવા મળી હતી. સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો હતો અને કારોબારની શરૂઆતમાં સોનું 454 રૂપિયા સસ્તુ થયું હતું. બે દિવસમાં ચાંદીના ભાવમાં આશરે રૂ. 2000નો ઘટાડો થયો છે.

મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર, 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદાની કિંમત સવારે 454 રૂપિયાના ઘટાડા સાથે 50,348 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. અગાઉ, સોનામાં 50,729 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો, પરંતુ માંગમાં નરમાઈને કારણે, ટૂંક સમયમાં જ ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.89 ટકાના ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યું છે. 

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે નરમાશ જોવા મળી રહી છે. એમસીએક્સ પર, ચાંદીનો વાયદો સવારે રૂ. 126 ઘટીને રૂ. 54,909 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉ ચાંદીમાં 55,174 રૂપિયાના સ્તરે ખુલીને કારોબાર શરૂ થયો હતો, પરંતુ ટૂંક સમયમાં તેની કિંમતો 55 હજારથી નીચે આવી ગઈ. ચાંદી હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.23 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. વાયદા બજારમાં ગુરુવારે સવારે ચાંદી 57 હજારની આસપાસ કારોબાર કરતી હતી જે આજે 55 હજારની નીચે આવી ગઈ છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ભારતીય વાયદા બજારમાં ઘટાડા સાથે આજે વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી સસ્તું થયું છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,708.51 પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.22 ટકા નીચી છે. એ જ રીતે, ચાંદીનો હાજર ભાવ 18.31 ડોલર પ્રતિ ઔંસ રહ્યો, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.85 ટકા ઓછો છે. વૈશ્વિક બજારમાં ચાંદી એક સમયે 27 ડોલર પ્રતિ ઔંસના ભાવે પહોંચી ગઈ હતી. 

અમેરિકામાં હાલમાં ઘણી મોટી આર્થિક ઘટનાઓ બની રહી છે. એક તરફ ડૉલર 20 વર્ષની ટોચે પહોંચી ગયો છે જેના કારણે સોનાની કિંમત પર દબાણ વધી રહ્યું છે. બીજી તરફ ફુગાવો પણ 41 વર્ષની ટોચે છે અને રોકાણકારો સોનાથી દૂર થઈ ગયા છે. આ સિવાય વ્યાજદરમાં સતત વધારાને કારણે રોકાણકારોને ડિપોઝિટ પર સારું વળતર મળવા લાગ્યું છે, જેના કારણે તેમનું ધ્યાન સોના જેવી સંપત્તિમાં રોકાણ કરવાથી હટ્યું છે. જોકે, વૈશ્વિક બજારમાં રુસો-યુક્રેન યુદ્ધનું દબાણ હળવું થતાં જ સોનાના ભાવ ફરી વધશે.