વેપાર@દેશ: તેજી બાદ સોના ચાંદીના ભાવમાં અચાનક કડાકાનો માહોલ, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
આજે એક કિલો ચાંદીના ભાવમાં 9114 રૂપિયાનો ઘટાડો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના ચાંદીમાં ભારે ઉતારચડાવનો માહોલ છે. તેજી બાદ અચાનક કડાકાનો માહોલ જોવા મળે છે. આજે પણ સોના અને ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજના ભાવ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 2490 રૂપિયા તૂટીને 143715 રૂપિયા પર પહોંચ્યો છે. જે છેલ્લે 146205 પર બંધ થયો હતો. કાલે રામનવમીની રજા હતી એટલે એસોસિએશને ભાવ જાહેર કર્યા નહતા. આજે એક કિલો ચાંદીના ભાવમાં 9114 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 225700 પર પહોંચ્યો છે જે છેલ્લે 234814 પર બંધ થયો હતો. ભારતીય વાયદા બજાર પર આજે 12.10 PM પર 5 જૂનની એક્સપાયરીવાળું 10 ગ્રામ સોનું 2.21 ટકાના વધારા સાથે 145658 પર જોવા મળી રહ્યું છે. જ્યારે 5 મેના વાયદાવાળી એક કિલો ચાંદી 3.47 ટકાના વધારા સાથે 227500 પર જોવા મળી રહી છે.

શેર બજારમાં આજે ભારે કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ શરૂઆતી ટ્રેડમાં ગગડેલા જોવા મળ્યા. સેન્સેક્સ 1009 પોઈન્ટના ઘટાડા બાદ 74624.78 અંકના ઈન્ટ્રા ડે લેવલે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 1 ટકાથી વધુ ઘટીને 23000.85ના લેવલ સુધી પહોંચી ગયો હતો. ઘરેલુ શેર બજારોમાં કડાકાના પગલે રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું. આ ઘટાડાનું કારણ એશિયાઈ બજારોની નબળી સ્થિતિ, રૂપિયાનું નવું રેકોર્ડ લો લેવલ પર પહોંચવાનું મનાઈ રહ્યું છે. મુખ્ય કારણોમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ, વૈશ્વિક સ્તર પર નબળી સ્થિતિ, રૂપિયાનું લો લેવલ, ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળાના કારણે વધેલું ટેન્શન, FPIનો ઉપાડ વગેરે છે. સેન્સેક્સની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો હાલ 1300 પોઈન્ટ ગગડીને 73972.56 પોઈન્ટ પર જોવા મળી રહ્યો છે.