વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં આજે ફરીથી શાનદાર તેજી, જાણો આજનો નવો ભાવ

 
ગોલ્ડ
ચાંદી આજે એકઝાટકે 13700 રૂપિયાથી વધુ ઉછળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના અને ચાંદીના બજારમાં આજે ફરીથી શાનદાર તેજી જોવા મળી રહી છે. નીચલા સ્તરેથી રોકાણકારોની મજબૂત ખરીદીને પગલે સોના અને ચાંદી બંનેના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. વાયદા બજારમાં ચાંદી આજે એકઝાટકે 13700 રૂપિયાથી વધુ ઉછળી હતી અને પછી તેમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોનામાં પણ એકઝાટકે 2400 રૂપિયાથી વધુની તેજી આવી હતી પરંતુ તેમાં પણ 1000 રૂપિયા જેટલો ઘટાડો આવ્યો હતો. અગાઉના ઘટાડા બાદ ચાંદીના ભાવમાં આજે રોકેટગતિએ તેજી જોવા મળી છે.

અગાઉના ટ્રેડિંગ સત્રમાં ચાંદીનો ભાવ ₹2,36,316 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં મોટો ગેપ-અપ જોવા મળ્યો અને ભાવ ₹2,44,000 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન ખરીદીનું દબાણ વધતા ચાંદીનો ભાવ ₹2,49,900ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹6,369ના જબરદસ્ત ઉછાળા સાથે ₹2,42,685 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.

ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ આજે મજબૂત રિકવરી જોવા મળી છે. સોનાના 05 ફેબ્રુઆરી 2026 વાયદાનો ભાવ અગાઉના દિવસે ₹1,35,761 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આજે સોનું ₹1,36,300 પર ખુલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,38,200ની ઊંચી સપાટી બનાવી હતી. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹1,449ના મજબૂત વધારા સાથે ₹1,37,210 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો.