વેપાર@દેશ: અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ રેટ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ છે તો સોનામાં આગળ હવે શું જોવા મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના અને ચાંદીના ભાવ આકાશે આંબી રહ્યા છે. પરંતુ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે ખુશખબર આવ્યા છે. સોનાના સતત વધી રહેલા ભાવ પર જાણે બ્રેક લાગી છે અને થોડો હાશકારો પણ અનુભવાયો છે. શરાફા બજારમાં આજે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. પણ એકબાજુ એ પણ બીક છે કે જિયો પોલિટિકલ ટેન્શન હજુ વધી ગયું છે.ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ છે તો સોનામાં આગળ હવે શું જોવા મળશે.

આજે જે ઘટાડો જોવા મળ્યો તેવો ચાલુ રહેશે કે પછી પાછો તેજીનો માહોલ આવી જશે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 442 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 72732 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 404 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 66623 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે.

ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પણ ગગડી છે અને પ્રતિ કિલો 313 રૂપિયાના ઘટાડા સાથે હાલ ભાવ 83506 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે. 15 એપ્રિલના રોજ MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે કારોબારમાં જૂન કોન્ટ્રાક્ટવાળા સોનાના વાયદા ભાવ 71933 રૂપિયા સુધી પહોંચ્યા. જ્યારે મે કોન્ટ્રાક્ટવાળી ચાંદીનો વાયદા ભાવ 83329 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો.