બેદરકારી@ખેડા: મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામે મહી કેનાલ પર આવેલો ઓવરબ્રિજ અચાનક ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. વહેલી સવારે કેનાલમાં પાણીનું સ્તર વધતાં આ ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સદનસીબે બ્રિજ ધરાશાયી થયો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો કે વાહનોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.ઘટનાએ બ્રિજની જાળવણી અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર બ્રિજની જર્જરિત અને જોખમી હાલત અંગે અંદાજે એક વર્ષ પહેલાં જ સંબંધિત તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં સમયસર સમારકામકે જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવ્યા ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ બ્રિજ પર અવરજવર દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી. હવે આ ઘટનાને લઈને મહી સિંચાઈ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. બ્રિજ ધરાશાયી થયાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા સભ્ય નાગપાલ ઠાકોર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સ્થળની પરિસ્થિતિની જાણકારી મેળવી હોવાનું સામે આવ્યું છે. હાલ બ્રિજ કેવી રીતે અને કયા કારણોસર ધરાશાયી થયો તે અંગે તપાસ બાદ વધુ સ્પષ્ટતા થશે.

