વિવાદ@વલસાડ: સરકારી તંત્રની ઘોર લાપરવાહી, તીવ્ર ગરમીમાં વૃક્ષારોપણ કરાવતા બાળકો બેભાન થયા

 
વિવાદ

વન વિભાગ અને સરકારી તંત્રની ઘોર લાપરવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્કહહત

 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં વન વિભાગના દક્ષિણ રેન્જ દ્વારા આયોજિત 'એક પેડ મા કે નામ' અંતર્ગત 'વન કવચ' વૃક્ષારોપણ કાર્યક્રમ ભારે વિવાદોના વમળમાં ફસાયો છે. ધોમધખતા તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયેલા શાળાના માસૂમ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન ગરમીનો પારો આસમાને હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું.

 

તીવ્ર ગરમી સહન ન થતાં અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ચક્કર આવવા લાગ્યા હતા અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ જોઈને હાજર અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.શરમજનક બાબત એ હતી કે, સ્થળ પર પ્રાથમિક આરોગ્ય સુવિધા કે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહોતી, જેથી જવાબદારોએ બાળકોના મોં પર પાણી છાંટીને સંતોષ માન્યો હતો. બાદમાં તબિયત વધુ બગડતાં કેટલાક વિદ્યાર્થીઓને ખાનગી વાહનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

 

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરિવહન વ્યવસ્થામાં માનવતાના લીરેલીરા ઉડ્યા હતા. તુંબ પ્રાથમિક શાળાના નાના બાળકોને આ કાળઝાળ ગરમીમાં પરત લઈ જવા માટે એસ.ટી. બસ કે સુરક્ષિત વાહનની જગ્યાએ એક ખુલ્લો ટેમ્પો બોલાવાયો હતો. આ ટેમ્પોમાં નિર્દોષ બાળકોને ઘેટા-બકરાની જેમ ખીચોખીચ ભરીને શાળાએ રવાના કરાયા હતા.

 

સમગ્ર કમકમાટીભર્યા દ્રશ્યો ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીની નજર સમક્ષ બન્યા હતા. તેમ છતાં, સંવેદનહીન બનેલા અધિકારીઓ આ ગંભીર પરિસ્થિતિ તરફ આંખ આડા કાન કરીને એસી ગાડીઓમાં રવાના થઈ ગયા હતા. વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.