ઉજવણી@ગુજરાત: 75 માં પ્રજાસત્તાક દિને જૂનાગઢમાં મહિલા શક્તિના દર્શન, 781 કરોડના કામો મંજૂર
Jan 26, 2024, 14:28 IST
રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી જૂનાગઢમાં થતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના અઢળક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દેશભરમાં અનેક જગ્યાએ સરકાર અને નાગરિકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્યમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ છે. શહેરના પીટીસી ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વિવિધ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વંજવંદન પછી શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તો સાથે પોલીસ જવાનોએ પણ દિલધડક બાઈક સ્ટંટ કરી સોને આકર્ષિત કર્યા હતા.
ગુજરાતમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કોસ્ટગાર્ડ, BSF, ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી, જેલ વિભાગ સહિત વિવિધ જિલ્લા પોલીસની 25 પ્લાટુન ટીમ જોડાઈ હતી. આ દરમ્યાન ગુજરાતની મહિલા પોલીસે દિલધડક કોરિયોગ્રાફી કાર્યક્રમ રજૂ કરી નારી શક્તિના અદ્ભૂત દર્શન કરાવ્યા હતા. મહિલા પોલીસકર્મીઓના કોરિયોગ્રાફી કાર્યક્રમ પછી બાઈક સ્ટંટમાં પણ નારી શક્તિએ વિવિધ કરતબો રજૂ કર્યા હતા.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌથી મોટી વાત જૂનાગઢ જિલ્લા માટે સામે આવી હતી. જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ, કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ‘સોરઠ ધરા સોહામણી’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ આપી હતી. આ સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર, જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાની વાત કરી હતી.
રોડ-રસ્તા, વીજ સબસ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો સહિત રૂ.100 કરોડના 187 કામોના લોકાર્પણ પણ થયા છે. જ્યારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારો માટે 150 કામો રૂ. 88 કરોડના ખર્ચે હાથ ધરવા માટેનું ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયું હોઈ જૂનાગઢ જિલ્લો વિકાસમાં વધુ આગળ વધશે.