File photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સારંગપુર

ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતની ચરણરજથી પાવન થયેલ સારંગપુર ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ફૂલદોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વવંદનીય પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા આ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો. જેમાં દેશપરદેશથી ૫૦ હજારથી વધુ ભકતો અને ૭૦૦થી વધુ સંતો લાભ લેવા પધાર્યા હતા. જેમાં વહેલી સવારથી જ સમગ્ર સારંગપુર ગામ હિલોળે ચઢ્યું હતું. હરિભકતોના વિશાળ પ્રવાહથી ગામની ગલીઓ ઉભરાતી હતી. મંદિર પરિસરમાં ચારે તરફ માનવ મહેરામણ નજરે ચઢતું હતું. જેમાં પરદેશથી આવનારા હરિભકતોની સંખ્યા પણ ખૂબ મોટી હતી. અમેરિકા, ઈંગ્લેંડ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, વગેરે અનેક દેશોના હરિભકતો પણ ઉત્સાહપૂર્વક પધાર્યા હતા. ઘણા હરિભકતો વિશેષ ભકિત અર્પણ કરવા પદયાત્રા અને સાયકલયાત્રા કરીને પણ આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આવનારા હરિભકતોની સુચારુ વ્યવસ્થા માટે ૩૦ સેવા વિભાગોમાં ૧૦ હજાર સ્વયંસેવકો ખડે પગે હાજર હતા.

સૂર્યાસ્ત પામતા સૂરજની સાથે સાંજે પોણા પાંચ વાગ્યે ફૂલદોલ ઉત્સવની સભાની શરૂઆત થઈ ત્યારે સભા સ્થળ ભકતો-ભાવિકોથી ઉભરાતું હતું. ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો ગ્રંથ વચનામૃત, તેને આ વર્ષે ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોઈ સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ સમગ્ર વર્ષ દરમિયાન ઉજવાવાનો છે. તે જ નિમિત્તે આ સભાનો વિષય પણ ‘વચનામૃતના રંગો’ હતો. અંતે પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચન ઉચ્ચારતા કહ્યું હતું કે, ‘સંતો-ભકતો સર્વે દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ ધારે, સમજે ને વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે ને આઠે પહોર તેનો આનંદ ટળતો નથી. આપણે ભગવાન અને સંતના સંબંધમાં આવેલ સર્વેને દિવ્ય જોવા. દિવ્યભાવના રંગથી આપણે આ ફૂલદોલનો ઉત્સવ ઉજવવો.’

ત્યારબાદ મહોત્સવની ચરમસીમારૂપ ‘ફૂલોકી હોલી’ની શરૂઆત થઈ. જેમાં સૌપ્રથમ પ.પૂ.મહંતસ્વામી મહારાજે હરિકૃષ્ણ મહારાજને પુષ્પપાંખડીઓથી વધાવ્યા. પ.પૂ.મહંતસ્વામી મહારાજે પધારનાર હજારો સંતો ભકતો પર પુષ્પ વર્ષા શરૂ કરી. સભાસ્થળમાં ઠેર ઠેર વિવિધ રંગો ઉડાડવામાં આવ્યા એટલે સમગ્ર માહોલ વિવિધ રંગોના મિશ્રણથી ભરાઈ ગયો. રંગીન સંધ્યાના આ રંગોત્સવમાં હરિભકતો પંકિતબદ્ઘ થઈ આનંદમાં ઝૂમતાં ઝૂમતાં સ્વામીની સન્મુખ આવતા હતા. સભાવ્યસ્થાના સૂક્ષ્‍મ આયોજનને લીધે કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી કે ધમાલ વગર સૌ ભકતો શાંતિ અને આનંદ સાથે પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે ફૂલોથી રંગાઈને વિદાય થતા હતા. અંતે સૌને ગરમાગરમ પ્રસાદ વહેંચવામાં આવતો હતો. સૌના મુખ પર અનેરો આનંદ હતો. સમગ્ર પરિસરમાં ઉત્સાહ, ઉમંગ ને દિવ્યતાના તરંગો ઝિલાઈ રહ્યા હતા. આમ પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી અને કુશળ આયોજનથી આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code