ચકચાર@ભરૂચ: ગ્રામ પંચાયતના બોગસ ઠરાવો આધારે કરોડોની માટી ખોદી કાઢી, સરપંચ, તલાટી, કોન્ટ્રાક્ટરની ભૂમિકા

 
Bharuch
વધુ ચોંકાવનારી વિગતો બહાર આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ભરૂચ જિલ્લા તાલુકાના ગામમાં વર્ષ 2017 માં એવું કારસ્તાન થયું કે, જાણીએ નકલી કચેરી કાંડ યાદ આવી જાય. ગ્રામ પંચાયતના ઠરાવ સહિતના બોગસ કાગળો આધારે મહિલા કોન્ટ્રાક્ટરે ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાંથી માટી ખનનની પરમિટ મેળવી હતી. એક નહિ પરંતુ ત્રણ ત્રણ વાર અસંખ્ય ટન માટી ખોદી લીધી અને વર્ષ 2022 માં ઘટસ્ફોટ થયો કે, બોગસ ઠરાવો કાગળો આધારે પરમિટ મેળવી/પરમિટ આપી હતી. આથી હાલના સરપંચે સમગ્ર મામલે કલેક્ટર અને ડીડીઓને ફરિયાદ કરી તપાસની માંગ કરી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીના નિવેદન લીધા તો ઉપરથી વધુ ચોંકાવનારી વિગતો બહાર આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના દેત્રાલ ગામમાં વર્ષ 2017 દરમ્યાન નૈનાબેન ગજાનન મહંત સરપંચ હતા ત્યારે હંસાબેન રાણા નામના મહિલાએ ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીને દેત્રાલ ગામ તળાવમાંથી માટી ખનનની પરમિટ માટે અરજી કરી હતી. આ અરજી સાથે અનેક કાગળો રજૂ કર્યા હતા તેમાં દેત્રાલ ગ્રામ પંચાયતનો 31/1/2017 નો ઠરાવ નં.7(2), તળાવ આસપાસના ખાતેદારોના ના વાંધા પ્રમાણપત્ર, તા. 9/3/2017 ની તત્કાલીન તલાટીના રૂબરૂ પંચક્યાસની નકલ સહિતના કાગળો હતા. આ બધા કાગળો આધારે ભરૂચ જિલ્લાના તત્કાલીન ભૂસ્તરશાસ્ત્રીએ માટી ખનનની પરમિટ આપી અને મહિલા કોન્ટ્રાક્ટરે ત્રણ વખત પરમિટ પણ મેળવી હતી. આ પછી સરપંચ બદલાઇ જતાં નવા સરપંચે તપાસ કરતાં ઉપરના ત્રણેય ડોક્યુમેન્ટ બોગસ હોવાનું જાણી તાત્કાલિક અસરથી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને ફરિયાદ કરી બોગસ કાગળો આધારે માટી ખનનની પરમિટ મેળવવાના કસૂરવારો વિરૂદ્ધ કાર્યવાહીની અરજી કરી છે. વાંચો નીચેના ફકરામાં કેવા થયા ઘટસ્ફોટ.

ભરૂચ જિલ્લામાં ખનીજ ચોરી ગેરકાયદેસર ખનન તો અનેકવાર સામે આવ્યું પરંતુ બોગસ કાગળો આધારે સાચી પરમિટનો આ ચોંકાવનારો કેસ લગભગ પ્રથમ હોઈ શકે છે. આટલી ગંભીર ફરિયાદ છતાં અનેક વર્ષો સુધી જિલ્લા પંચાયતે પણ તપાસ ના કરી અને અરજદાર સરપંચે સરકારના નાણાંકીય હીતમાં વારંવાર ધ્યાને દોરતાં તપાસ થોડી શરૂ થઈ છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ આ ગંભીર ફરિયાદમા તત્કાલીન 2 તલાટી જયકિશન ઠાકોર અને અતુલ બરંડાને નોટીસ ફટકારી હતી. જેમાં તત્કાલીન તલાટી અતુલ બરંડાએ ઘટસ્ફોટ કર્યો કે, પોતાને અનેક વર્ષો સુધી ચાર્જ મળ્યાની ચાર્જરી જ સુપ્રત નહોતી થઈ. આટલુ જ નહિ, બોગસ ઠરાવમાં પોતાની સહી નથી તેવો જવાબ કર્યો છે. આ તરફ જયકિશન ઠાકોરે શરૂઆતમાં જવાબ કરવામાં વિલંબ કર્યો હતો. જોકે તપાસ અધિકારી એવા નાયબ ડીડીઓએ તત્કાલીન મહિલા સરપંચ નૈનાબેન ગજાનન મહંતને નોટીસ આપી છે ? કેમ તત્કાલીન મહિલા સરપંચનો જવાબ લેવાયો નથી તે સૌથી મોટો સવાલ છે. આટલુ જ નહિ જો તલાટીની બોગસ સહીથી કૌભાંડ આચર્યું હતું તો તલાટી કેમ ફરિયાદ કરતાં નથી. 

આ સમગ્ર કૌભાંડ બહાર લાવનાર દેત્રાલના હાલના સરપંચ નૌફાલ પટેલે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર, તત્કાલીન તલાટી અને તત્કાલીન સરપંચની મિલીભગત વગર આ શક્ય બને નહિ. આ ફરિયાદમાં ઝડપી તપાસ કાર્યવાહી કેમ નહિ તે બાબતે જાણતાં ધ્યાને આવ્યું કે, મહિલા સરપંચના પતિ ભરૂચ તાલુકા ભાજપાના મહામંત્રી છે અને કોન્ટ્રાક્ટર મહિલા પણ મોટા ગજાના રાજકીય નેતાના સગાં છે. આવી સ્થિતિમાં શું ભરૂચ જિલ્લા પંચાયતના નાયબ ડીડીઓ સરકારના હિતમાં શું તુરંત, ઝડપી અને પારદર્શક તપાસ કેમ ના કરી શકે? આ સવાલ પાછળના કારણો શંકાસ્પદોને રાજકીય પીઠબળ માની શકાય? બીજા રીપોર્ટમાં તલાટી અને સરપંચના વહીવટનો સૌથી મોટો ઘટસ્ફોટ કરીશું.