ચકચાર@ફતેપુરા: વાંદરીયા ગામે કૌભાંડની તપાસ બાદ લાખોની લેવડદેવડનો ભયંકર ઓડિયો વાયરલ

 
ફતેપુરા
વાયરલ ઓડિયોથી ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ફતેપુરા તાલુકા પંચાયતના વહીવટ અને રાજકીય કામકાજ બાબત સાથે સંકળાયેલ વિષયનો ભયંકર ઓડિયો વાયરલ થયો છે. કથિત ઓડિયોમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી અનેક ઘટનાઓ રજૂ કરી પોતાની શેખી મારતાં હોવાની ચકચાર સમગ્ર પંથકમાં ફેલાઇ છે. ઓડિયોમા બેફામ ગાળો તો છે પરંતુ વાંદરીયા ગામમાં ભ્રષ્ટાચારની તપાસનો એક મુદ્દો કેટલીક સેકન્ડ પૂરતો આવે છે. કથિત ઓડિયોમા પ્રમુખ ભરત પારગી વાંદરીયા ગામ, ટીડીઓની મુલાકાત અને લાખો રૂપિયાની લેવડદેવડના શબ્દો ઉચ્ચારે છે. આટલુ જ નહિ, પોતે કંઈક હોવાનું જતાવવા અનેક લોકોને સબક શીખવ્યો હોવાનું પણ જણાવે છે ત્યારે વાયરલ ઓડિયોથી ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાંચો સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતને સંબંધિત વિવિધ ઘટનાક્રમ રજૂ કરતો કથિત ઓડિયોથી ચકચાર તો છે પરંતુ દોડધામ વધારે મચી છે. કથિત ઓડિયોમા પ્રમુખ ભરત પારગી કોઈ એક જગ્યાએ કેટલાક લોકો સમક્ષ પોતાને હોશિયાર બતાવવા અનેક કિસ્સાઓ રજૂ કરતાં આખરે ભાન ભૂલે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે વાંદરીયા ગામે અગાઉ થયેલી ભ્રષ્ટાચારની તપાસમાં કંઈક રંધાઈ ગયું હોવાનું ખુદ કથિત ઓડિયોને પગલે સપાટી ઉપર આવ્યું છે. કથિત ઓડિયોમાં તાલુકા પંચાયત પ્રમુખ ભરત મગન પારગી બોલે છે કે, વાંદરીયા ગામે પોતાની ગાડીમાં ગયા ત્યારે ટીડીઓ(તત્કાલીન ચૌધરી) હતા એ દરમ્યાન હોબાળો થવાની શક્યતા હતી, એટલે 2 લાખ આપ્યા હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ કરે છે. હવે આ 2 લાખ શું ટીડીઓને આપ્યા? કેમ આપ્યા? કોના હતા 2 લાખ? આ તમામ સવાલો ઉભા થાય છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કથિત ઓડિયો સરેરાશ 14 મિનિટનો છે ત્યારે વાયરલ થતાંની સાથે સમગ્ર તાલુકામાં વગર ચૂંટણીએ ગરમાવો વધી ગયો છે. આટલું જ નહિ, તત્કાલીન ટીડીઓ કે જેઓ વાંદરીયા તપાસ અર્થે ગયા હતા તેમની ભૂમિકા પણ સવાલો વચ્ચે આવી પડી છે. આથી આ બાબતે તત્કાલીન ટીડીઓ ચૌધરીને પૂછતાં જણાવ્યું કે, વાંદરીયા તપાસ માટે ગયા હતા પરંતુ એવી કોઈ લેવડદેવડ નથી થઈ. તો ફરી સવાલ થયો કે, આ કથિત ઓડિયોમાં કેમ બોલાય છે ત્યારે ટીડીઓ બોલ્યા કે પ્રમુખને ખબર પરંતુ હું જાણી લઉ છું.